‘અલ્લુ અર્જુનના ઘર પર હુમલા પાછળ કોંગ્રેસનો હાથ’ ભાજપનો આક્ષેપ, અભિનેતાના ઘરની સુરક્ષા વધારાઈ
Allu Arjun News : સાઉથના સુપર સ્ટાર અને ફિલ્મ ‘પુષ્પા-2’થી દેશભરમાં ધૂમ મચાવનાર અલ્લુ અર્જુના ઘરે રવિવારે (22 ડિસેમ્બર) તોડફોડની ઘટના બન્યા બાદ પોલીસે અભિનેતાના ઘરની સુરક્ષા વધારી દીધી છે. બીજીતરફ આ હુમલા મુદ્દે ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર શાબ્દિક પ્રહારો શરૂ કરી દીધા છે અને વિપક્ષોએ તેલંગણાની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આક્ષેપ કર્યો છે.
અભિનેતાના ઘરે હુમલો કરનારને મળ્યા જામીન
ઓસ્માનિયા યુનિવર્સિટી - જોઈન્ટ એક્શન કમિટીના છ સભ્યોએ રવિવારે સાંજે અલ્લુ અર્જુનના નિવાસ સ્થાને સૂત્રોચ્ચાર કરતાં કરતાં આવ્યા હતા. તેઓએ અભિનેતાના ઘરે ટામેટા ફેંક્યા હતા અને ત્યાં ફૂલાદીઓ તોડી નાખી હતી. આ ઉપરાંત તેઓએ ત્યાં ઘણા ધમપછાળા કર્યા હતા અને મૃતક મહિલાના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ આવવાની માંગ કરી હતી. પોલીસે આ તમામને કસ્ટડીમાં લીધા બાદમાં સોમવારે એક સ્થાનીક કોર્ટે તેઓને જામીન આપી દીધા છે.
અલ્લુના ઘર પર હુમલા પાછળ કોંગ્રેષનું ષડયંત્ર : ભાજપ
આ તમામ ઘટનાક્રમ વચ્ચે લોકસભા સભ્ય ડી.કે.અરૂણાએ ઘટનાની નિંદા કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ‘અભિનેતાના ઘર પર તોડફોડ કરનારાઓમાંથી ચાર લોકો મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીના વિધાનસભા ક્ષેત્ર કોડંગલામાં રહે છે. તેથી કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું દેખાઈ રહ્યું છે. વિપક્ષ BRSએ કોંગ્રેસ પર નિશાન સાધી કહ્યું કે, ‘રાજ્યમાં પાર્ટી કાયદો-વ્યવસ્થાથી ઉપર છે.’
આ પણ વાંચો : હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
નાસભાગમાં મહિલાના મોતની ઘટના બાદ અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી
ઉલ્લેખનીય છે કે, ચોથી ડિસેમ્બરના રોજ હૈદરાબાદની સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ (Pushpa 2 The Rule)ની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ હતી. રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અહીં ફિલ્મ જોવા આવ્યો હતો. અલ્લુને જોવા ત્યાં અનેક ચાહકો આવ્યા હતા. આ દરમિયાન ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. ભારે ભીડ થયા બાદ અલ્લુ ચાહકોને મળવા પહોંચ્યો અને ત્યાં અચાનક નાસભાગ મચી ગઈ, જેમાં 35 વર્ષિય રેવતી નામની મહિલાનું મોત થયું અને તેના બાળકને ઈજા થઈ હતી. તાજેતરમાં એવો રિપોર્ટ સામે આવ્યો છે કે, ઘાયલ આઠ વર્ષના બાળકની તબિયત સુધરવાને બદલે ગંભીર થઈ રહી છે. હવે આ ઘટના મામલે રાજ્યમાં ભારે રાજકારણ શરૂ થઈ ગયું છે, જેના કારણે અલ્લુ અર્જુનની મુશ્કેલી સતત વધતી જ જોવા મળી રહી છે.
અલ્લુ અર્જુને જેલમાં વિતાવવી પડી એક રાત
મહિલા મોત થવાના કેસમાં ચિક્કડપલ્લી પોલીસ 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. લગભગ 18 કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા છે. જોકે જેલ પ્રશાસનને જામીનના કાગળો ન મળવાના કારણે અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવવી પડી હતી.