સોનાક્ષી અને રીતેશની ફિલ્મમાંથી અપશબ્દો, અશ્લીલ સંવાદો પર કાતર
- ઓટીટી પર રીલિઝ થયેલી કાકૂડાના નબળા રિવ્યૂ
- સોનાક્ષી અને ઝહીર લગ્ન પછી પહેલીવાર આ ફિલ્મનાં સ્ક્રિનિંગમાં સજોડે દેખાયાં
મુંબઈ : સોનાક્ષી સિંહા અને રિતેશ દેશમુખની હોરર કોમેડી 'કાકૂડા'માં સેન્સર બોર્ડ દ્વારા કેટલાય અપશબ્દો તથા અશ્લીલ સંવાદો પર કાતર ફેરવી દેવામાં આવી હોવાનું કહેવાય છે.
સેન્સર બોર્ડ દ્વારા સર્જકોને કેટલાક સંવાદો બદલવા માટે પણ જણાવાયું હતું.
સાથે સાથે આ ફિલ્મ કોઈ રીતે અંધશ્રદ્ધાને સમર્થન આપતી નથી તે મતલબની એક સ્પષ્ટતા પણ ફિલ્મ સાથે રીલિઝ કરવા જણાવાયું હતું.
આખરે આ ફિલ્મ સંખ્યાબંધ કટ્સ તથા ફેરફારો સાથે રજૂ થઈ છે.
જોકે, આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થઈ છે. તેમાં સોનાક્ષી અને રિતેશ દેશમુખ સાથે સાકીબ સલીમ સહિતના કલાકારો છે. ફિલ્મના રિવ્યૂ બહુ નબળા છે. મોટાભાગના સમીક્ષકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ હોરર કે કોમેડી બેમાંથી એક પણ જોનરને ન્યાય કરવામાં નિષ્ફળ ગઈ છે.
ફિલ્મનું સ્ક્રિનિંગ મુંબઈમાં યોજાયું હતું. તેમાં સોનાક્ષી અને ઝહીર પહેલીવાર લગ્ન પછી સાથે કોઈ ઈવેન્ટમાં દેખાયાં હતાં. આ વખતે ઝહીરે સોનાક્ષીને મેરી બીવી કહીને સંબોધતાં તે શરમાઈ ગઈ હતી.