Get The App

સંજય લીલા ભણશાલીએ બૈજૂ બાવરાની રિમેક પડતી મૂકી

Updated: Mar 22nd, 2023


Google News
Google News
સંજય લીલા ભણશાલીએ બૈજૂ બાવરાની રિમેક પડતી મૂકી 1 - image


- આલિયા  અને રણવીર સાથે ટૂંક સમયમાં શૂટિંગ શરુ થવાનું હતું

- બોલીવૂડની અત્યારની પરિસ્થિતિમાં રણવીર જેવા ફલોપ જઈ રહેલા સ્ટાર સાથે જંગી બજેટની ફિલ્મ બનાવવાનું અનુકૂળ ન લાગ્યું

મુંબઇ : સંજય લીલા ભણશાળીએ તેની મહત્વાકાંક્ષી ફિલ્મ 'બૈજુ બાવરા' હાલ પુરતી પડતી મૂકી હોવાના  અહેવાલો છે. સંજય લીલાએ ૧૯૫૨માં રિલીઝ થયેલી મીના કુમારીની ઓલટાઈમ ક્લાસિક ગણાતી ફિલ્મ 'બૈજુ બાવરા'ની રિમેક આલિયા ભટ્ટ અને રણવીર સિંહને લઈને બનાવવાનું નક્કી કર્યું હતું. તેનું પ્રિ પ્રોડક્શન કામ પણ ચાલુ થઈ ગયું હોવાનું કહેવાતું હતું. પરંતુ, હવે આ પ્રોજેક્ટ હાલ પૂરતો અભેરાઈએ ચઢાવી દેવાયો હોવાનું કહેવાય છે. 

બોલીવૂડના વર્તુળોમાં થઈ રહેલા ગણગણાટ મુજબ ભણશાળીએ આ ફિલ્મ માટે બહુ જંગી બજેટનું વિચાર્યું હતું. જોકે, બોલીવૂડમાં હાલ એક ફિલ્મ ચાલે છે તેની સામે પાંચ ફ્લોપ જાય છે તેવા સંજોગોમાં સંજય લીલા ભણશાળીને બહુ મોટું નાણાંકીય જોખમ લેવું યોગ્ય લાગ્યું નથી. વધુમાં, હાલ રણવીર સિહની કારકિર્દીની નાવ પણ ખરાબે ચઢેલી છે. તેની પાછલી કેટલીક ફિલ્મો ટિકિટબારી પર ફલોપ ગઈ છે. આ સંજોગોમાં રણવીરને મેઈન સ્ટાર તરીકે લઈ બહુ મોટું જોખમ લેવાની સંજય લીલા ભણશાળીની તૈયારી ના હોય તેવું  પણ શક્ય છે. 

આ રિમેક માટે સંજય લીલા સામે એક બહુ મોટો પડકાર સંગીતનો પણ હતો. ઓરિજિનલ 'બૈજુ બાવરા'ના નૌશાદે આપેલાં તમામ ગીતો બોલીવૂડના સુવર્ણકાળના ભાગરુપ ગણાય છે. એવું સંગીત હવે સર્જવું અતિશય મુશ્કેલ છે. જોકે, સંજય લીલા ભણશાળી પોતાની ફિલ્મોમાં લોકપ્રિય સંગીત માટે જાણીતા છે તો પણ 'બૈજુ બાવરા'નાં ઓરિજિનલ મ્યુઝિકના સ્તરે પહોંચવું બહુ પડકારભર્યું હતું. 

બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ભણશાળી હવે શાહરુખ અથવા તો સલમાન જેવા સ્ટાર સાથે ફિલ્મ બનાવે તેવી સંભાવના છે. તેઓ પોતાના 'ઈન્શાલ્લાહ'ના જૂના પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરે તેવી પણ ધારણા છે. 

Tags :