નવ વર્ષ પછી રીલિઝ થયેલી સનમ તેરી કસમે ધૂમ મચાવી
- ખુશી જુનૈદની લવયાપા કરતાં પણ વધુ કમાણી
- 2016માં ફલોપ ગઈ હતી હવે ત્રણ જ દિવસમાં નવ કરોડથી વધુ કમાઈ ગઈ
મુંબઈ : હર્ષવર્ધન રાણે તથા માવરા હોકેનની 'સનમ તેરી કસમ' ફિલ્મ નવ વર્ષ પછી રી રીલિઝ કરવામાં આવતાં બોક્સ ઓફિસ પર તેને અણધારી રીતે પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે. આ ફિલ્મે પાછલા ત્રણ દિવસમાં ખુશી કપૂર અને જૂનૈદ ખાનની 'લવયાપા' કરતાં પણ વધારે કમાણી કરી હોવાનો દાવો થઈ રહ્યો છે.
ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ૧૮ કરોડમાં બની હતી. પરંતુ તે ૨૦૧૬માં રીલિઝ થઈ ત્યારે માત્ર ૧૬ કરોડ જ કમાઈ શકી હતી અને ફલોપ જાહેર થઈ હતી. પરંતુ ગયાં સપ્તાહે રીરીલિઝ બાદ તેણે ત્રણ જ દિવસમાં નવ કરોડ કમાઈ લીધા છે. આમ તેનું લાઈફટાઈમ કલેક્શન પચ્ચીસ કરોડ થઈ ચૂક્યું છે અને આ સાથે તે ૩૮ ટકા નફામાં આવી ગઈ છે.
ખુશી કપૂર અને જૂનૈદ ખાનની 'લવયાપા'નું ત્રણ દિવસનું કલેક્શન માંડ ૪.૪ કરોડ થયું છે તેની સામે 'સનમ તેરી કસમ'ને નવ કરોડની કમાણી થઈ છે. આમ આ ફિલ્મે બે સ્ટાર કિડ્ઝને પાછળ પાડી દીધાં છે.
દરમિયાન, સોશિયલ મીડિયા પર ખાસ કરીને નાનાં શહેરોમાં 'સનમ તેરી કસમ'ના શો વખતે ભીડ જામી રહી હોવાની અને યુવાનો થિયેટરમાં જ તેનાં ગીતો પર ડાન્સ કરી રહ્યા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.