તમે પોતે જ 100 કરોડ રૂપિયા.....: સ્ટાર્સની ફીને લઇને આ એક્ટરે કરન જોહર-ફરાહ ખાનનો ઉધડો લીધો
Image:Twitter
Entourage costs in Bollywood: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી એન્ટૉરેજ કોસ્ટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એન્ટૉરેજ કોસ્ટ (Entourage costs) એ ખર્ચ છે જે ફિલ્મમાં કામ કરતા કલાકારોની એકસ્ટ્રા ડિમાન્ડ અને ક્રૂની પાછળ કરવામાં આવે છે. ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓએ આ વિશે વાત કરી છે. જેના પ્રમાણે આ ખર્ચ ફિલ્મના બજેટ અને નફાને અસર કરે છે. થોડા સમય પહેલા ફરાહ ખાને પણ આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, સ્ટાર્સની વધારાની માંગને કારણે ફિલ્મ નિર્માણનો ખર્ચ વધી જાય છે.
જ્યારે બીજી તરફ કરણ જોહરે પણ આ મુદા પર વાત કરતા કહ્યું કે, કલાકારો 35 કરોડ રૂપિયાની ફી માંગે છે, જેમની ફિલ્મ 3.5 કરોડની પણ ઓપનિંગ કરી શકતી નથી. હવે અભિનેતા સમીર સોનીએ આ વિશે વાત કરી છે અને તેણે આ અંગે ફરાહ અને કરણ પર સવાલો ઉઠાવ્યા છે.
એકટર્સની વધતી ફી અંગે જવાબદાર કોણ?
એક ઈન્ટરવ્યુમાં સમીર સોનીને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મ નિર્માતાઓ ફિલ્મોમાં કામ કરવા માટે ઊંચી ફી માંગવા બદલ કલાકારોની ટીકા કરી રહ્યા છે. આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, “હું એટલું જ કહેવા માંગુ છું કે, કરણ અને ફરાહ, જો તમને લાગે છે કે ખર્ચ વધી રહ્યો છે તો તમે જ પૈસા ચૂકવી રહ્યા છો. 100 કરોડ રૂપિયામાં મોટા સ્ટારને સાઇન કર્યા પછી તમે એમ ન કહી શકો કે, આ લોકો વધારે પૈસા વસૂલે છે. તમારામાં પણ કંઈક ઉણપ છે. કારણ કે, લોકો તો એવા પણ છે જે 1 કરોડ રૂપિયા અથવા તો 50 લાખ રૂપિયામાં પણ કામ કરી શકે છે. આ બધુ તમે લોકોએ કર્યું છે.”
સમીર ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય અભિનેતા છે. તે લગભગ 26 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. સમીર છેલ્લે પ્રાઈમ વીડિયોની સીરિઝ 'પીઆઈ મીના'માં જોવા મળ્યા હતા.
ફિલ્મના વધતા બજેટ પર રોહિત શેટ્ટીએ શું કહ્યું?
રોહિત શેટ્ટીએ એન્ટૉરેજ કોસ્ટના મુદ્દા પર કહ્યું કે, એવું નથી કે કલાકારો પર ઘણા પૈસા ખર્ચવામાં આવે છે પરંતૂ ટિકિટ, મુસાફરી, હોટલ પર પણ પૈસા ખર્ચવામાં આવે છે અને આ બધી વસ્તુઓની કિંમત વધી ગઈ છે. જેની અસર પ્રોડક્શન પર થાય છે.
તો બીજી તરફ ફેમસ ફિલ્મમેકર અને એક્ટર અનુરાગ કશ્યપે પણ એન્ટૉરેજની કિંમત વિશે વાત કરતા બજેટમાં થયેલા વધારા માટે કલાકારોને જવાબદાર ગણાવ્યા હતા. ફિલ્મ મેકરે કહ્યું કે, જ્યારે કોઈ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવે છે ત્યારે તેના પર ઓછા પૈસા ખર્ચવામાં આવે છે અને તેની સ્ટાર કાસ્ટ પર વધુ પૈસા ખર્ચવામાં આવે છે.