સામંથાએ એક્સ હસબન્ડ સાથે રહી હતી એ જ મકાન ખરીદી લીધું
- છૂટાછેડાની ડીલના ભાગરુપે ઘર મળ્યાની પડોશી એક્ટરે નકારી
- અગાઉ વેચાઈ ચૂકેલું ઘર સામંથાને પસંદ હોવાથી તેણે ઊંચી કિંમતે ફરી ખરીદી લીધું
મુંબઇ : સાઉથની હોટ સ્ટાર સામંથાએ ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે રહી હતી એ જ ઘર ઊંચી કિંમતે ખરીદી લીધું છે. સામંથાને આ ઘર છૂટાછેડા બાદ ભરણપોષણ ડીલના ભાગરુપે મળ્યાની અફવા હતી જોકે તેના પડોશી એક્ટર મુરલી મનોહરે કન્ફર્મ કર્યું છે કે વાસ્તવમાં સામંથાએ આ ઘર ખરીદીને જ લીધું છે.
હૈદરાબાદમાં સામંથા અને નાગા ચૈતન્ય કેટલાક સમય સુધી અહીં સાથે રહ્યા હતા. જોકે, બાદમાં આ ઘર વેચાઈ ગયું હતું. નાગા પોતાના જૂના ઘરે પાછો રહેવા જતો રહ્યો હતો.
સામંથાને શરુઆતથી આ ઘર પસંદ હતું. પડોશમાં રહેતા એક્ટર મુરલી મોહનના જણાવ્યા અનુસાર સામંથાએ આ મકાન પાછું મળી શકે કેમ તેની તપાસ કરવા મારો સંપર્ક સાધ્યો હતો. મેં સામંથા અને નવા મકાન માલિકનો સંપર્ક કરાવ્યો હતો. સામંથાએ અનેકગણી ઊંચી કિંમતે પોતાનું મનપસંદ મકાન પાછું ખરીદી લીધું છે.
સામંથાને હૈદરાબાદમાં તેનાથી પણ ઓછી કિંમતે વધુ આલીશાન મકાન મળી શકે તેમ હતું. પરંતુ તે આ ઘર સાથે લાગણીથી જોડાયેલી હોવાથી તેણે આ ખરીદવાનું પસંદ કર્યું છે એમ આ એક્ટરે જણાવ્યું હતું.
સામંથા હાલ પોતાની માતા સાથે અહીં વસવાટ કરી રહી છે.