‘એનિમલ’ જુઓ પણ ઘરે ના લઈ જાઓ, રણબીરની રીલ બહેને સ્વીકાર્યું કે ફિલ્મ છે ટોક્સિક
Image Source: Twitter
- રણબીર કપૂરના કેરેક્ટરને લઈને ક્રિએટર્સનું એક વિઝન હતું: સલોની બત્રા
મુંબઈ, તા. 07 ડિસેમ્બર 2023, ગુરૂવાર
બોલીવુડ સુપરસ્ટાર રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ એ બોક્સ ઓફિસ પર કબજો કરી લીધો છે. આ ફિલ્મે રિલીઝના થોડા જ દિવસોની અંદર અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મમાં રણબીરના દમદાર પ્રદર્શનની લગભગ દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે એક્ટરના પાત્રની ટિકા કરી રહ્યા છે. આ ફિલ્મ ભલે પ્રોડ્યૂસર્સના ખીસ્સા ભરી રહી છે પરંતુ સામાજિક દ્રષ્ટિએ ‘એનિમલ’ને ખોટી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.
ફિલ્મ ‘એનિમલ’ અંગે અનેક દર્શકો અત્યાર સુધીમાં પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે અને ફિલ્મને મિસોજિનિસ્ટ ગણાવી ચૂક્યા છે. ત્યારે હવે સલોની બત્રાએ પણ આ વાત પર પોતાની સહમતિ વ્યક્ત કરી છે.
રિયલ લાઈફમાં આવા લોકો હાજર છે
‘એનિમલ’માં સલોની બત્રાએ રણબીર કપૂરની ઓનસ્ક્રીન બહેનનું પાત્ર નિભાવ્યુ છે. રણબીરના પાત્ર અંગે તેમણે જણાવ્યું કે, તેઓ ટોક્સિક છે. પરંતુ રિયલ લાઈફમાં પણ આવા લોકો હાજર જ છે.
સલોનીએ સ્વીકાર્યું કે ફિલ્મ ટોક્સિક છે
‘એનિમલ’ પર સલોની બત્રાએ કહ્યું કે, હું એક એક્ટ્રેસ છું. એક એક્ટ્રેસ તરીકે મારું એ કામ છે કે, આર્ટિસ્ટ જે કરાવવા માંગે છે તે હું કરું. જે મેકર્સ છે તેમની પાસે દુનિયામાં એ કેરેક્ટર માટે એક વિઝન છે. રણબીરના પાત્ર પર સલોનીએ કહ્યું કે, તેમના કેરેક્ટરને લઈને ક્રિએટર્સનું એક વિઝન હતું. તે પાત્ર જે રીતે વાત કરે છે, જે રીતે વ્યવહાર કરે છે તે ટોક્સિક છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એ જ પાત્ર વિશે છે અને સંદીપ રેડ્ડી વાંગાએ પોતાના અંદાજમાં તેને પડદા પર ઉતારી છે.
દર્શકોની પણ જવાબદારી
એક્ટ્રેસે આગળ કહ્યું કે, એક દર્શક તરીકે આ જોવું અને નક્કી કરવું એ આપણી જવાબદારી છે કે, શું સાચુ છે અને શું ખોટુ છે. જો તે પાત્ર કોલેજમાં બંદૂક ચલાવી રહ્યો છે તો તેનો અર્થ એ નથી કે, યોગ્ય છે. તે એન્ટરટેનમેન્ટ માટે એક આર્ટિસ્ટનું વિઝન છે. દુનિયામાં આવા પાત્રો છે રિયલમાં છે પરંતુ એ આપણી જવાબદારી છે કે, એક દર્શક તરીકે આપણે તેને ઘરે ન લઈ જઈએ.
તેમણે આગળ કહ્યું કે, તમે થિયેટરમાં એન્ટરટેનમેન્ટ માટે જ આવો છો અને એ જ સિનેમાની જોબ છે. તમારે તેમાંથી કંઈ પણ શીખવાની જરૂર નથી. ડાયરેક્ટર ટિચર નથી તે એક એન્ટરટેનર છે.