સિંઘમ અગેઈનમાં સલમાન ચુલબુલ પાંડે તરીકે દેખાશે
- સલમાન કેમિયો માટે સંમત થયો હોવાની ચર્ચા
- આ સપ્તાહમાં સલમાન શૂટિંગ કરશે અગાઉ કેમિયોના અહેવાલો નકારાયા હતા
મુંબઈ: અજય દેવગણની 'સિંઘમ અગેઈન'માં સલમાન ખાન તેના પોલીસ અધિકારી ચુલબુલ પાંડેના રોલમાં દેખાવાનો હોવાની ચર્ચા અગાઉ પ્રસરી હતી. પરંતુ, આવી અટકળોને બાદમાં રદિયો આપવામાં આવ્યો હતો. હવે ફરી ચર્ચા છે કે સલમાન આ ફિલ્મમાં કેમિયો કરવાનો હોવાની વાત સાચી છે.
સલમાન બહુ થોડા સમય માટે સ્ક્રીન પર ચુલબુલ પાંડે તરીકે દેખાશે. તે અને અજય દેવગણ સ્ક્રીન શેર કરશે. આ કેમિયો માટે સલમાને બહુ થોડા સમય માટે શૂટિંગ કરવાનું છે. મોટાભાગે આ સપ્તાહમાં જ સલમાન ખાનનાં દ્રશ્યોનું શૂટિંગ કરી લેવામાં આવશે.
આ ફિલ્મમાં અજય દેવગણ સિંઘમ તરીકેના તેના રોલમાં રીપિટ થવાનો છે. એ ઉપરાંત રણવીર સિંહ, અક્ષય કુમાર, કરીના કપૂર, દીપિકા પદુકોણ , અને ટાઈગર શ્રોફ સહિતના કલાકારો પણ નાની મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.
'સિંઘમ' ફ્રેન્ચાઈઝીનો સર્જક રોહિત શેટ્ટી પોતાનું અલાયદું કોપ યુનિવર્સ રચી રહ્યો છે. ભવિષ્યમાં તે આ કોપ યુનિવર્સને વધુ વિસ્તારે તેવી સંભાવના છે.
જોકે, અજય દેવગણના કેટલાક ખાસ ચાહકોને આ અનેક કલાકારોનો મેળો ભેગો કરવાનો આઇડિયા બહુ ગમ્યો નથી.
તેમના મતે સિંઘમ અજય દેવગણનુ ંએક આઈકોનિક પાત્ર છે અને તેની સાથે કોઈને પણ લાઈમલાઈટ શેર કરવા દેવી જોઈએ નહીં.