સલમાને કિરણ રાવના વખાણ કરવામાં છબરડો વાળ્યો
- લાપતા લેડીઝને દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ ગણાવી
- કિરણની ધોબી ઘાટ ફિલ્મની પાર્ટીમાં ખુદ મ્હાલ્યો હતો, લોકોએ કહ્યું ઉંમરની અસર
મુંબઇ : સલમાન ખાને કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત 'લાપતા લેડીઝ'ની પ્રશંસા કરવામાં છબરડો વાળ્યો હતો. તેણે આ ફિલ્મને કિરણની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ગણાવી દીધી હતી.
વાસ્તવમાં કિરણે છેક ૨૦૧૪માં 'ધોબી ઘાટ' નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. એ ફિલ્મની પાર્ટીમાં સલમાને હાજરી પણ આપી હતી. તેમ છતાં પણ તે આ વાત જ ભૂલી ગયો હતો. કેટલાક લોકોએ તો સલમાન અને ઝરીન ખાન 'ધોબી ઘાટ'ની પાર્ટીમાં હાજર હતાં તેની તસવીરો પણ ઈન્ટરનેટ પર શેર કરી હતી.
કેટલાક લોકોએ તો સલમાનને એમ કહીને ટ્રોલ પણ કર્યો હતો કે હવે તેને ઉંમરની અસર થઈ ગઈ છે. સલમાને બાદમાં પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર સુધારો કર્યો હતો અને આ ફિલ્મને કિરણના દિગ્દર્શન હેઠળની પહેલી ફિલ્મ હોવાનો ઉલ્લેખ રદ કરી દીધો હતો.
બીજી તરફ કેટલાક લોકોએ સલમાનનો બચાવ પણ કર્યો હતો. તેમણે એમ જણાવ્યું હતું કે સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા હેન્ડલ તેમની પીઆર ટીમ સંભાળતી હોય છે અને આ સંજોગોમાં ટીમમાંથી કોઈ વ્યક્તિએ ભૂલ કરી હોય તે શક્ય છે.