150 સુરક્ષા જવાનોના કાફલા સાથે સલમાનનું સિંઘમ અગેઈન માટે શૂટિંગ
- લગભગ રદ થઈ ગયેલો કેમિયો કરવા હાજર
- 30 પોલીસ જવાનો અને 120 અન્ય સિક્યુરિટીનો સમાવેશ: સ્ટુડિયોનું લોકેશન ગુપ્ત રખાયું
મુંબઇ : બાબા સિદ્દિકીની હત્યાના પગલે 'સિંઘમ અગેઈન'માં કેમિયોનું શૂટિંગ રખડતાં અને 'સિંઘમ અગેઈન'ને સેન્સર સબમીટ કરવાની ડેટ વીતી જતાં આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો જ પડતો મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો બાદ છેલ્લી ઘડીએ સલમાને જંગી બંદોબસ્ત સાથે આ કેમિયો માટે શૂટિંગ કરવાનું કબૂલ્યું હતું.
આજે તે મુંબઈના એક ઉપનગરી વિસ્તારમાં ૩૦ પોલીસ જવાનો અને ૧૨૦ અન્ય સિક્યુરિટી જવાનોના વિશાળ કાફલા સાથે આ કેમિયોનું શૂટિંગ કરવા હાજર થયો હતો.
સલમાનના શૂટિંગના સ્ટુડિયોના લોકેશન વિશે સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી હતી. સેટ પરના ક્રૂ મેમ્બર્સને પણ સલમાનનું શૂટિંગ હોવાનું છેલ્લી ઘડીએ જણાવાયું હતું. તમામ ક્રૂ મેમ્બર્સને પોલીસ વેરિફિકેશન માટે તૈયાર રહેવા તથા શૂટિંગની વચ્ચે સેટ નહિ છોડવા સહિતનાં નિયંત્રણો માટે પણ તૈયાર રહેવા જણાવાયું હતું.
મુંબઈ પોલીસે હાલ સલમાનને કોઈપણ શૂટિંગ ટાળવાની સલાહ આપી છે. આમ છતાં પણ સલમાન અગાઉ 'બિગ બોસ'ના શૂટિંગ માટે પણ હાજર થયો હતો.
બાબા સિદ્દિકીની હત્યા થઈ તે જ અરસામાં સલમાનનું 'સિંઘમ અગેઈન'ના શૂટિંગનું શિડયૂલ ગોઠવાયું હતું. આ હત્યોને પગલે એ શિડયૂલ રખડી પડયું હતું. ફિલ્મ સેન્સર સબમીટ કરવાની ડેડલાઈન નજીક આવી જતાં હવે સલમાન શૂટિંગ નહીં કરી શકે તેમ સૌએ માની લીધું હતું.
હવે સલમાનના શૂટિંગનો પાર્ટ સેન્સરને અલગથી સબમીટ કરાશે. ફિલ્મના અંતમાં સિંઘમ ચુલબુલ પાંડેને મળે છે તેવો આ કેમિયો છે. અજય દેવગણની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મમાં કરીના કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણ સહિતના કલાકારો છે.