સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારાઈ, બાલ્કની પણ થઈ બુલેટપ્રૂફ, જુઓ VIDEO
Salman Khan House: એક્ટર સલમાન ખાનના મુંબઈના બાંદરા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટનું રિનોવેશન શરુ કરાયું છે. એપાર્ટમેન્ટની બારીઓ તથા ગેલેરીઓમાં સુરક્ષા વિષયક છીંડા પૂરવામાં આવી રહ્યા છે. સંખ્યાબંધ શ્રમિકો એપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા હોય તેવા વીડિયો વાયરલ થયા છે.
બાલ્કની પણ થઈ બુલેટપ્રૂફ
સલમાનના ફ્લેટની તસવીરો દર્શાવે છે કે ઘરની બાલ્કની બુલેટપ્રૂફ કાચથી ઢંકાયેલી છે. મતલબ કે જો કોઈ વ્યક્તિ તેના ફ્લેટને નિશાન બનાવીને ગોળી ચલાવે તો પણ તેનાથી તેના ઘરની દિવાલોને પણ નુકસાન નહીં થાય. સલમાન ખાન અને તેના પરિવારના સભ્યોને ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણી ધમકીઓ મળી હતી. જે બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સલમાન ખાનના ઘરની સુરક્ષામાં આ વધારાએ ચાહકોને નિરાશ કર્યા છે, જેઓ બાલ્કનીમાંથી જ સલમાન ખાનની ઝલક આપતા હતા, જે હવે નહીં મળી શકે.
સુરક્ષાને ધ્યાને રાખી સલમાન ખાનના એપાટેમેન્ટમાં રિનોવેશન
ભૂતકાળમાં સલમાન એપાર્ટમેન્ટની ગેલેરીમાં આવી તેના ચાહકોને ઝલક આપતો હતો. પરંતુ બિશ્નોઈ ગેંગની ધમકીઓ અને ખાસ તો ગત એપ્રિલ માસમાં તેના ઘર પર ગોળીબાર બાદ પોલીસે સલમાનને ગેલેરીમાં નહિ આવવા જણાવ્યું છે. હવે આ એપાર્ટમેન્ટ પાસે ચાહકોનાં ટોળાં પણ એકઠાં થવા દેવાતાં નથી. બાંદરામાં સલમાન અને શાહરુખ ખાનનાં ઘર બહુ પાસપાસે છે. શાહરુખના મન્નત બંગલો પાસે કાયમ ચાહકોનાં ટોળાં જામેલાં જોવા મળે છે. પરંતુ, સલમાનના ઘર પાસે પોલીસની ગાડી સતત તૈનાત હોય છે અને કોઈ પણ વ્યક્તિને ત્યાં અટકવા દેવાતી નથી.