સલમાન ખાન ફાયરિંગ કેસઃ આરોપીઓને હથિયારો પહોંચાડનારા અનુજ થાપનની આત્મહત્યા
Salman Khan House Firing Case: સુપરસ્ટાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગનો મામલો હજુ શાંત થયો નથી. આ ઘટના બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, ત્યારે આ કેસમાં સામેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસને લઇને વધુ એક અપડેટ સામે આવ્યુ છે. સલમાનના ઘરે ફાયરિંગમાં સામેલ એક આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમા આત્મહત્યા કરી લીધી છે. જ્યારે અનુજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોલીસ કસ્ટડીમાં હતો.
પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા એક આરોપી અનુજ થપાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં હોસ્પિટલ તંત્ર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ફાયરિંગ કરનાર આરોપીઓને હથિયાર સપ્લાય કરવાના ગુન્હામાં મુંબઇ પોલીસે અનુજ થાપનની ધરપકડ કરી હતી.
એક અઠવાડિયા પહેલા પોલીસે કાર્યવાહી કરીને પંજાબમાંથી બે આરોપીઓ 37 વર્ષીય સોનુ સુભાષ ચંદ્રા અને 32 વર્ષીય અનુજ થાપનની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતુસ મળી આવ્યા હતા. મુંબઇ બ્રાન્ચનો દાવો છે કે, આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો અનુજ અને સુભાષ દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા.
આ કેસમાં, સલમાન ખાનના સિક્યોરિટી ગાર્ડના નિવેદનના આધારે, મુંબઈ પોલીસે IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પરંતુ બાદમાં FIR ત્રણ નવી કલમો ઉમેરવામાં આવી, જેમાં આઈપીસી કલમ 506 (2) (ધમકી આપવી), 115 (ઉશ્કેરણી) અને 201 (પુરાવાનો નાશ કરવો)નો સમાવેશ થાય છે. હવે પોલીસે મકોકા એક્ટ પણ લગાવી દીધો છે, જેના કારણે આ મામલો ઘણો મજબૂત બન્યો છે.
ક્યારે થયુ હતુ સલમાન ખાનના ઘરે ફાયરિંગ?
14 એપ્રિલના રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું છે. બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને સલમાનના ઘરની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. આ પછી બંને આરોપીઓએ ત્રણ વાર કપડાં બદલ્યા જેથી તેઓ ઓળખી ન શકે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે, તેમની પાસે 40 ગોળીઓ હતી.
આ પણ વાંચો: 'બિશ્નોઈ ગેંગને માટીમાં મિલાવી દઈશું', સલમાન ખાન સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી શિંદેનું મોટું નિવેદન