સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસ: આરોપીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર, CBI તપાસની માંગ
Image:X
સુપરસ્ટાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગનો મામલો હજુ શાંત થયો નથી. આ ઘટના બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ કેસનો આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમા આત્મહત્યા કર્યા બાદ આ કેસને લઇને વધુ એક અપડેટ સામે આવી રહી છે.
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપનના પરિવારજનોએ તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારજનોએ CBI તપાસની માંગ કરી છે.
અનુજના પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ
અનુજના દાદા જસવંત સિંહે આરોપ લગાવ્યો કે, આ આત્મહત્યા નહીં પણ હત્યા છે. મેં મૃતદેહ જોયો અને તેના ગળા પરના નિશાન ફાંસી લગાવવાના નહીં પરંતુ ગળું દબાવવાના હતા.
જ્યારે થાપનના મામા કુલદીપ બિશ્નોઈનું કહેવું છે કે, અનુજ ઘર ચલાવતો હતો અને તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી છે. અનુજની વિધવા માતા, નાનો ભાઈ અને નાની બહેન તેની સાથે રહે છે. તેમના ગયા પછી તેમનો પરિવાર કોણ ચલાવશે? અમને હવે મહારાષ્ટ્ર પોલીસ પર વિશ્વાસ નથી અને આ મામલાની તપાસ CBI ને સોંપવી જોઈએ, તો જ અમને ન્યાય મળશે.
તેમણે વધુમાં કહ્યું કે, મુંબઈ પોલીસ અમારાથી છૂટકારો મેળવવા માંગે છે. આ કારણોસર, તે ઇચ્છે છે કે અમે અનુજનો મૃતદેહ લઈએ અને શક્ય તેટલી વહેલી તકે અહીંથી નીકળી જઈએ. અમારી પાસે પૈસા નથી અને તેથી જ જ્યારે અમે પંજાબમાં હતા ત્યારે મુંબઈ પોલીસે કહ્યું કે, તેઓ અમને ટિકિટ મોકલી રહ્યા છે. પોલીસે અમને કહ્યું કે ઝડપથી અહીં આવો અને મૃતદેહને અહીંથી ગામ લઈ જાઓ. તે માટે પણ પૈસા આપવાનું વચન આપ્યું હતું.
પોલીસે અમારી ફ્લાઇટની ટિકિટ આપી છે પરંતુ અમને પોલીસ પર વિશ્વાસ નથી, તપાસ CBI દ્વારા થવી જોઈએ.
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમાંથી એક અનુજ કુમાર થાપને જેલમાં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પછી, તેના મૃતદેહને જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ગઈકાલે 2 મેના રોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ક્યારે થયુ હતુ સલમાન ખાનના ઘરે ફાયરિંગ?
14 એપ્રિલના રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું છે. બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને સલમાનના ઘરની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. આ પછી બંને આરોપીઓએ ત્રણ વાર કપડાં બદલ્યા જેથી તેઓ ઓળખી ન શકે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે, તેમની પાસે 40 ગોળીઓ હતી.