સલમાન ખાનના ઘરે વાગશે શરણાઈઓ! અરબાઝના કાલે થશે લગ્ન, જાણો કોણ છે દુલ્હન
અરબાઝ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણિતા એક્ટરમાંથી એક છે. અરબાઝ ખાને પોતાની દમદાર એક્ટિંગ અને સુપરહિટ પાત્રોથી લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. ત્યારે, હવે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને લઈને એક ખુશખબર સામે આવ્યા છે. ખાન પરિવારમાં કાલે શરણાઈઓ વાગવાની છે. અરબાઝ ખાન 24 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તારીખ કન્ફર્મ છે. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના લોકો સામેલ થશે. સોશિયલ મીડિયા પર એક્ટરના લગ્નના સમાચાર બાદ લોકોને એક જ સવાલ છે કે કોણ છે અરબાઝ ખાનની થનારી પત્ની?
કોણ છે અરબાઝ ખાનની દુલ્હન?
અરબાઝ ખાનના લગ્નના સમાચાર સાંભળીને ફેન્સ આ જાણવા માટે ઉત્સુક છે કે, અંતે તેમની દુલ્હનિયા કોણ છે? જણાવી દઈએ કે, અરબાઝ ખાન-શૌરા ખાન સાથે લગ્ન કરવાના છે. શૌરા ખાન એક પ્રોફેશનલ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. શૌરા ખાન રવીના ટંડન અને તેમની દીકરી રાશાની પણ મેકઅપ આર્ટિસ્ટ છે. કાલે એટલે કે 24 ડિસેમ્બરે તેઓ ખાન પરિવારની વહૂ બની જશે.
અહીં થશે અરબાઝના લગ્ન
એક્ટર અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નની રસમ તેમની બહેન અર્પિતાના ઘરે કાલે બપોરે થશે. અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નમાં માત્ર બંને પરિવારના અને નજીકના લોકો જ સામેલ થશે. આ લગ્ન મુંબઈમાં થશે. અરબાઝ અને શૌરા ખાનની પહેલી મુલાકાત ફિલ્મ 'પટના શુક્લા'ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં અરબાઝ ખાન નજરે આવશે.
મલાઈકા અરોરા સાથે 1998માં કર્યા હતા લગ્ન
અરબાઝ ખાનના આ બીજા લગ્ન છે. આ પહેલાં તેમણે વર્ષ 1998માં મોડલ અને એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ 2017માં બંનેએ ડિવોર્સ લીધા હતા. અરબાઝ અને મલાઈકાનો 21 વર્ષનો પુત્ર અરહાન ખાન છે. હાલના દિવસોમાં મલાઈકા ફિલ્મ નિર્માતા બોની કપૂરના પુત્ર અને એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
મોડલ જ્યોર્જિયા સાથે થયું હતું બ્રેકઅપ
અત્રે ઉલ્લેખનીય છે કે, અરબાઝ અત્યાર સુધી મોડલ જ્યોર્જિયાને ડેટ કરતો હતો. જોકે, 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેનું થોડા સમય પહેલા જ બ્રેકઅપ થયું હતું. જ્યોર્જિયાએ આ વાતની પુષ્ટિ કરી ચૂકી હતી.
અરબાઝ ખાને 1996માં કરી હતી ફિલ્મ કરિયરની શરૂઆત
અરબાઝે 1996માં ફિલ્મ 'દરાર'થી પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે વિલનનો રોલ નિભાવ્યો અને આ રોલ માટે ફિલ્મફેર પણ મળ્યો હતો. અરબાઝ 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'હલચલ', 'ભાગમ ભાગ', 'જાને તૂ યા જાને ના' જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યા. 2012માં દબંગ 2થી અરબાઝે નિર્દેશન ક્ષેત્રમાં એન્ટ્રી કરી, ત્યારે તેઓ 'દબંગ'ની બાકીની સિક્વલના નિર્માતા રહ્યા. અરબાઝ ખાન વેબ સીરીઝ 'તનાવ'માં પણ નજરે આવી ચૂક્યા છે.