સલમાન ખાને જણાવી હરણના શિકારની કહાની! કહ્યું - 'એ ડરેલું હતું, અમે તેને બિસ્કિટ ખવડાવ્યાં'
Image Source: Twitter
Salman Khan On Blackbuck Poaching Case: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ભલે કાળા હરણના શિકાર મામલે કોર્ટે સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરી દીધો હોય. પરંતુ બિશ્નોઈ સમાજ આજે પણ તેની પાસેથી માફીની અપેક્ષા રાખે છે. આ જ કારણોસર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.આ કેસ 1998નો છે, જ્યારે સલમાન 'હમ સાથ સાથ હૈ' ફિલ્મના પોતાના કો-સ્ટાર્સ સાથે શિકાર પર ગયો હતો. એક જૂના ઈન્ટરવ્યૂમાં સલમાને જણાવ્યું હતું કે, તેનું શિકાર કરવાનું મન કેવી રીતે બન્યું હતું અને કેવી રીતે આ સમગ્ર કાંડની શરૂઆત થઈ. શોખ-શોખમાં શરૂ થયેલા આ કિસ્સાની સલમાન ખાનને આજે પણ મોટી કિંમત ચૂકવવી પડી રહી છે.
સલમાન ખાને જણાવી હરણના શિકારની કહાની
2009માં એક ટીવી ચેનલ સાથે વાત કરતા સલમાને પોતે જણાવ્યું હતું કે, 'અમે, ક્યાં, ક્યારે અને કેવી રીતે શિકાર પર ગયા હતા. કેવી રીતે અમને એક ડરેલું હરણ મળ્યું હતું અને અમે તેને બિસ્કિટ ખવડાવ્યા હતા. એક્ટરે જણાવ્યું કે, એક દિવસ પેક-અપ બાદ અમે બધા ગાડી ચલાવી રહ્યા હતા. અમે બધા સૈફ, તબ્બુ, નીલમ, અમૃતા અને સોનાલી સાથે હતા. આ દરમિયાન અમે એક ઝાડીમાં ફસાયેલા હરણના બચ્ચાને જોયું. આખું ઝૂંડ ત્યાં હતું તેથી મેં કાર રોકી અને તે ડરી ગયું. અમને તેને ત્યાંથી બહાર કાઢ્યું અને થોડું પાણી પીવડાવ્યું. તે ડરેલું હતું. થોડી વાર બાદ તેણે મસ્ત બિસ્કિટ ખાધા અને પછી ભાગી ગયું. તે દિવસે અમે જલ્દી સામાન સમેટી લીધો હતો. અમે બધા એક સાથે જઈ રહ્યા હતા. મને લાગે છે કે, ત્યાંથી જ આ બધું શરૂ થયું.'
આ પણ વાંચો: સલમાન બ્લેન્ક ચેક લઈને બિશ્નોઈ સમાજ પાસે આવ્યો હતો...' લોરેન્સ બિશ્નોઈના ભાઈનો દાવો
મેં કાળિયારને માર્યું જ નહોતું
સલમાને બીજા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મેં કાળિયારને નહોતું માર્યું, તે ભૂલ કોઈ બીજાની હતી. આ લાંબી કહાની છે. હકીકતમાં કાળિયારને મારનારો હું નથી. હવે તેનો કોઈ અર્થ નથી. તે શિકાર કરે છે, તે દુર્વ્યવહાર કરે છે. એણે જ તેને માર્યું છે. તમને સત્યનો એક ટકો પણ ખબર નથી. હું દુનિયાને કંઈ કહી નથી શકતો એનો અર્થ એ નથી કે હું ખોટો છું. મને મૌન રહેવું જ વધુ યોગ્ય લાગે છે.'
આ વિશે વધુ વાત કરતા તેણે કહ્યું હતું કે, 'ક્યારેક ક્યારેક એવું થાય છે કે, તમે કંઈ નથી કહી શકતા. દરેક વ્યક્તિની પોતાની ઈજ્જત છે, ડિગ્નિટી છે, પોત-પોતાની પ્રાયોરિટી છે. આ ઈન્ડસ્ટ્રી છે, તમારી પાસે એટલો હક નથી હોતો કે, તમે કંઈ પણ કહી દો. ઘણી વખત તમારુંં મૌન રહેવું જ સારું હોય છે. હું એ કહી શકું છું જે હું ફીલ કરું છું. પરંતુ તેમાં કોઈ બીજાનું નામ સામેલ છે તો હું તે અંગે વાત ન કરી શકું. હું કર્મમાં વિશ્વાસ રાખું છું. જો હું કંઈ પણ ખોટું કરું તો બીજા જ દિવસે મારે પરિણામ ભોગવવું પડે છે.'
આ પણ વાંચો: સલમાનથી 5 કરોડની ખંડણી માગનારો પકડાયો, એનો ધંધો જાણી ચોંકી જશો, જમશેદપુરથી ધરપકડ