સલમાન-કેટરિનાની ટાઈગર થ્રી રવિવારે રીલીઝ થશે

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
સલમાન-કેટરિનાની ટાઈગર થ્રી રવિવારે રીલીઝ થશે 1 - image


- શુક્રવારે રીલીઝનો ધારો તૂટશે

- ફિલ્મ બે દિવસ મોડી શા માટે રીલીઝ થઈ રહી છે તે વિશે અટકળો

મુંબઇ : સામાન્ય રીતે બોલીવૂડમાં દરેક નવી ફિલ્મ શુક્રવારે રીલીઝ થતી હોય છે. પરંતુ, સલમાન ખાન તથા કેટરીના કૈફની 'ટાઈગર થ્રી' રવિવારે રીલીઝ થવાની છે. 

આ ફિલ્મ તા. ૧૨મી નવેમ્બરના દિવાળીના દિવસે રીલીઝ થવાની છે. દેખીતી રીતે જ નિર્માતાઓ આ ફિલમને 'દિવાળી રીલીઝ' તરીકે પ્રમોટ કરવા માગતા હોવાથી તેમણે દિવાળીની તારીખ પસંદ કરી હોય તે શક્ય છે. 

જોકે, ટ્રેડ વર્તુળોને આ નિર્ણય અસામાન્ય લાગી રહ્યો છે. ટ્રેડ વર્તુળોમાં ચર્ચા અનુસાર દિવાળીનું વેકેશન ઘણા દિવસો પહેલાંથી શરુ થઈ જતું હોય છે. આ વખતે તા. ૧૦મીના શુક્રવારે ધનતેરસ છે. જો આ ફિલ્મ તા. ૧૦મીએ રીલીઝ થઈ હોત તો તેને શુક્રવાર તથા શનિવારના બિઝનેસનો પણ લાભ મળી શકે તેમ હતો. 

સામાન્ય રીતે દિવાળી જેવા દિવસે બહુ ઓછા લોકો થિયેટરમાં ત્રણ કલાક વિતાવવાનું પસંદ કરે છે. જોકે, નિર્માતાઓની ગણતરી કદાચ એવી છે કે દિવાળી પછીના એક સપ્તાહ સુધી સમગ્ર દેશમાં રજાઓનો જ માહોલ હશે તેવા સમયે આ ફિલ્મનો બિઝનેસ ઊંચકાઈ શકશે. 

સલમાન ખાનની કેરિયરનો બહુ મોટો દારોમદાર આ ફિલ્મ પર છે. તેની પાછલી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બહુ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. સલમાને બોલીવૂડમાં પોતાનું સ્થાન ટકાવવું હોય તો આ ફિલ્મ હિટ જાય તે તેના માટે જરુરી છે.


Google NewsGoogle News