સલમાન અને સૂરજ બડજાત્યાએ એક ફિલ્મ પડતી મુકી, બીજી શરુ કરશે
- પ્રેમ કી શાદીનું ભાવિ અદ્ધરતાલ
- પ્રેમ કી શાદી હવે રણવીર કે અન્ય કોઈ કલાકાર સાથે શરુ થઈ શકે
મુંબઈ : સૂરજ બડજાત્યાએ સલમાન ખાનને લઈ 'પ્રેમ કી શાદી' ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું છે. હવે તેઓ સલમાન સાથે અન્ય કોઈ ફિલ્મ બનાવે તેવી સંભાવના છે.
સૂરજ બડજાત્યાએ છેલ્લે ૨૦૧૫માં સલમાનને લઈ 'પ્રેમ રતન ધન પાયો' બનાવી હતી. તે પછી ગયા વર્ષે બંને ફરી કોલબરેટ કરી રહ્યા હોવાની વાત બહાર આવી હતી. આ ફિલ્મનું ટાઈટલ 'પ્રેમ કી શાદી' હશે તેવું પણ નક્કી થયું હતું.
જોકે, કહે છે કે સલમાન અને સૂરજ સ્ક્રિપ્ટા બાબતે એકમત થઈ શક્યા ન હતા. આથી, સૂરજે હવે સલમાન સાથે 'પ્રેમ કી શાદી ' બનાવવાનું માંડી જ વાળ્યું છે. તેને બદલે તેઓ આ સબ્જેક્ટ સાથે રણવીર સિંહ કે અન્ય કોઈ યુવાન કલાકારને લઈ પ્રોજેક્ટ આગળ વધારે તેવી સંભાવના છે.
બીજી તરફ તેમણે સલમાન સાથે વધુ એક પ્રોજેક્ટ પર કામ ચાલુ કર્યું છે. દાવા અનુસાર આ ફિલ્મ બહુ જંગી બજેટ ધરાવતી હશે. જોકે, તેની વાર્તા કે સહ કલાકારો વિશે હજુ કોઈ વિગતો બહાર આવી નથી.
સલમાન માટે એક ફિલ્મ સર્જક તરીકે સૂરજ બડજાત્યા હંમેશાં લકી રહ્યા છે. સૂરજની જ ફિલ્મ 'મૈને પ્યાર કિયા'થી સલમાન રાતોરાત સ્ટાર બની ગયો હતો. તે પછી 'હમ આપ કે હૈ કૌન' તથા 'હમ સાથ સાથ હૈ' જેવી તેમની ફિલ્મોએ સલમાનને વધુ સફળતા અપાવી હતી.
સલમાન હાલ તેની કારકિર્દીના નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તે કોઈ સારી વાર્તા તથા સારા ડાયરેક્ટરની શોધમાં છે. આથી જ તેણે સૂરજ બડજાત્યાના સંપર્ક કર્યો હતો.