સૈફે કરીના હોવાનું સમજી બીજી યુવતીના ખભા પર હાથ મૂકી દીધો
- એકસરખાં વસ્ત્રોના કારણે ગોટાળો થયો
- હગ કરવા ગયો ત્યાં જ ભૂલનો અહેસાસ થતાં સૈફ જાહેરમાં ભોંઠો પડી ગયો
મુંબઇ : સૈફ અલી ખાને એરપોર્ટ પર પોતાની પત્ની કરીના જેવાં જ વસ્ત્રો પહેરનારી ફલાઈટ એટેન્ડન્ટને તે કરીના હોવાનું માની તેના ખભા પર હાથ મુકી દીધો હતો. તે આ યુવતીને હગ કરવા ગયો ત્યાં જ તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં તે ભોંઠો પડી ગયો હતો.
આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો વાયરલ થયો છે અને નેટ યૂઝર્સ સૈફ અલીની મજાક ઉડાવી રહ્યા છે. જોકે, કેટલાક લોકો તેનો બચાવ પણ કરી રહ્યા છે કે આ એક જેન્યુઈન ભૂલ હતી અને તેની પાછળ સૈફનો કોઈ બદઈરાદો ન હતો. પેલી યુવતીએ પણ સૈફની આ હરકતને એકદમ હળવાશથી જ લીધી હતી.
વાયરલ વીડિયો અનુસાર સૈફ તથા કરીના બાળકો સાથે વેકેશન માણવા જવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતાં. ત્યાં સૈફ બાળકોનું ધ્યાન રાખી રહ્યો હતો તેટલી વારમાં કરીના આગળપાછળ થઈ ગઈ હતી. તે વખતે કરીના જેવાં જ લાલવસ્ત્રો પહેરનારી યુવતીને સૈફે કરીના માની લીધી હતી અને તેના ખભા પર હાથ મુકી તેને હગ કરવા આગળ વધ્યો હતો. જોકે, ક્ષણવારમાં તેને પોતે ગોટાળો કર્યો હોવાનો ખ્યાલ આવી ગયો હતો. તે ભોંઠપ અનુભવતાં હસી પડયો હતો. જોકે, પેલી યુવતી અને કરીના પણ સૈફની હાલત જોઈ હસવા લાગ્યાં હતાં. સૈફે કબૂલ્યું પણ હતું કે પોતે ક્ષણ ભર માટે કન્ફ્યૂઝ થઈ ગયો હતો.