Get The App

સૈફ અલીના પૂર્વજો અફઘાનિસ્તાનના આદિવાસી હતા, અંગ્રેજોએ ઈનામમાં રજવાડું ભેટમાં આપ્યું હતું, જાણો પટૌડી પરિવારનો રસપ્રદ ઈતિહાસ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
સૈફ અલીના પૂર્વજો અફઘાનિસ્તાનના આદિવાસી હતા, અંગ્રેજોએ ઈનામમાં રજવાડું ભેટમાં આપ્યું હતું, જાણો પટૌડી પરિવારનો રસપ્રદ ઈતિહાસ 1 - image


Saif Ali Khan Ancestors: મધરાતે ઘરમાં ઘૂસીને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પર કરવામાં આવેલા હુમલાની ઘટના હજુ તાજી છે. સૈફ હાલ હોસ્પિટલમાં છે અને સ્થિર હાલતમાં છે. ત્યારે લોકો સૈફના પટૌડી પરિવાર વિશે ચર્ચા કરી રહ્યા છે. સૈફના પરિવારના મૂળિયાં ભારતથી દૂર અફઘાનિસ્તાનમાં છે. તો ચાલો જાણીએ, પટૌડી પરિવારના રસપ્રદ ઈતિહાસ વિશે...

સૈફના પૂર્વજો અફઘાનિસ્તાનના આદિવાસી હતા 

પટૌડી પરિવારના મૂળિયાં આજના અફઘાનિસ્તાનમાં છે. તેમના પૂર્વજો ભારતમાં સ્થાયી થયા એ પહેલા કંદહારના ‘બરેચ’ નામના આદિવાસી સમુદાયના હતા. સોળમી સદીમાં ઉત્તર ભારતમાં લોદી વંશનું રાજ હતું ત્યારે સૈફના પૂર્વજો ભારત આવીને વસી ગયા હતા.

અંગ્રેજોએ આપ્યું વફાદારીનું ઈમાન

ઓગણીસમી સદીની શરૂઆતમાં બીજું એંગ્લો-મરાઠા યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં સૈફના પૂર્વજ ફૈઝ તાલાબ ખાને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મદદ કરી હતી, જેના ઈનામ રૂપે અંગ્રેજોએ તેમને વર્ષ 1804 માં સ્થાયેલા પટૌડી એસ્ટેટની સત્તા આપી હતી. 

પટૌડી એસ્ટેટનો દબદબો 

સમય જતાં પટૌડી એસ્ટેટ રજવાડા તરીકે ઉભરી આવ્યું હતું. ફૈઝ તાલાબ ખાન એસ્ટેટના પહેલા નવાબ ગણાયા હતા. એમના વંશજોએ 1949 સુધી એસ્ટેટ પર શાસન કર્યું હતું. ભારતની આઝાદી પછી એસ્ટેટને પંજાબ રાજ્યમાં વિલીન કરી દેવાયું હતું. અલબત્ત, રજવાડાના રાજવીઓનો ઠાઠ આઝાદી પછી પણ જારી રહ્યો હતો. સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડીના આઠમા નવાબ હતા. તેઓ પ્રખ્યાત ક્રિકેટર પણ હતા. 

પટૌડી એસ્ટેટનો અંત

વર્ષ 1971માં ઈન્દિરા ગાંધી સરકારે રાજવીઓના ખિતાબ નાબૂદ કરીને સાલિયાણા પ્રથા બંધ કરી દીધી, એ સાથે જ પટૌડી પરિવારનો રજવાડા તરીકેનો સત્તાવાર દરજ્જો સમાપ્ત થઈ ગયો હતો. નવાબી ગયા બાદ પણ મન્સૂર અલી ખાન પટૌડીએ પોતાનું સેલિબ્રિટી સ્ટેટસ ક્રિકેટના રમત થકી જાળવી રાખ્યું હતું. 

ક્રિકેટ કરિયર, અભિનેત્રી સાથેના લગ્ન અને સંતાનો

ફક્ત 21 વર્ષની ઉંમરે મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના સૌથી યુવા કેપ્ટન બન્યા હતા. તેમના પિતા ઈફ્તિખાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. મન્સૂર અલી ખાને પ્રસિદ્ધ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે- સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને સબા અલી ખાન.

સૈફ અલીએ પિતાને બદલે માતાનો વારસો જાળવ્યો 

પિતાની જેમ ક્રિકેટ અપનાવવાને બદલે સૈફે માતાની જેમ અભિનય ક્ષેત્રે નામ ઉજાળ્યું. સફળ અભિનેતાએ બે વાર લગ્ન કર્યા છે. પહેલી પત્ની હતી અભિનેત્રી અમૃતા સિંઘ. તેમના બે બાળકો છે- સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન. તેમના છૂટાછેડા પછી સૈફે અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો છે- તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન. 

બિનસાંપ્રદાયિક છે ખાન પરિવાર

સલીમ ખાનના પરિવારની જેમ જ સૈફનો પરિવાર પણ બિનસાંપ્રદાયિક છે. સૈફે બંને લગ્ન હિન્દુ મહિલા સાથે કર્યા છે. સૈફની બહેન અભિનેત્રી સોહા અલી ખાને અભિનેતા કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે, જે હિન્દુ છે. સૈફની બીજી બહેન સબા અપરિણીત છે. તે જ્વેલરી ડિઝાઈનર તરીકે કામ કરે છે અને પૈતૃક સંપત્તિની દેખરેખ પણ રાખે છે.

સૈફ અબજોપતિ છે, છતાં…

સૈફની પૈતૃક સંપત્તિ અબજોની છે. અંદાજિત આંકડો છે 1300 કરોડ રૂપિયા! એમાં મુખ્યત્વે પટૌડી પેલેસનો અને ભોપાલ ખાતેના મહેલનો સમાવેશ થાય છે. 10 એકરમાં ફેલાયેલા પટૌડી પેલેસમાં 150 ઓરડા છે અને એની કિંમત 800 કરોડ છે. ભોપાલની સંપત્તિ પણ કરોડોની છે. જોકે, આ બધી દોલત વિવાદિત છે, કેમ કે સૈફના પૂર્વજોએ તેમની મિલકત કોઈના નામે નહોતી કરી અને મિલકતમાં હિસ્સેદાર છે એવા અમુક સગાં દેશના ભાગલા થયેલા ત્યારે પાકિસ્તાન જતા રહ્યા હતા. તેથી, પટૌડી અને ભોપાલના મહેલોનો માલિક હોવા છતાં સૈફ એ મહેલો પોતાના સંતાનોને નામે નહીં કરી શકે. અલબત્ત, સૈફ ફિલ્મોમાંથી પણ અબજો રૂપિયા કમાયો છે, જે એની અંગત સંપત્તિ છે.


Google NewsGoogle News