સૈફ અલીએ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવી પડશે, કરોડરજ્જુના હાડકામાં ગંભીર ઈજાના અહેવાલ
Saif Ali Khan Medical Update: જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પાથી હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ પર હુમલો કરી દીધો અને ઈજાગ્રસ્ત થયો.
બંને સર્જરી બાદ હાલ સૈફ ICUમાં
આ હુમલા દરમિયાન સૈફને કરોડરજ્જુ પાસે ખૂબ જ ઊંડો ઘા થયો છે. છરીના કારણે તેના કાંડા પર પણ ઊંડો ઘા છે. લીલાવલી હોસ્પિટલમાં અભિનેતાની સર્જરી કરવામાં આવી છે. લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO)એ જણાવ્યું કે સૈફની બંને સર્જરી થઇ ગઈ છે છે અને તેને ICUમાં રાખવામાં આવ્યો છે.
કાંડા અને ગરદનમાં ઊંડી ઈજા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં સૈફને કમરના ભાગે છરીથી ઘા મારવામાં આવ્યા હતા અને આ ઘા તેની કરોડરજ્જુની ખૂબ નજીક છે. આ જ કારણ છે કે ડોક્ટરો આ સર્જરીને લઈને થોડા સાવધ હતા. લીલાવતી હોસ્પિટલમાં, ડૉ. નિરજ ઉત્તમાણી, ડૉ. નીતિન ડાંગે અને ડૉ. લીલા જૈનની ટીમે મળીને સૈફની સર્જરી કરી હતી.
પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવશે
લીલાવતી હોસ્પિટલના સીઓઓએ જણાવ્યું હતું કે સૈફને રાત્રે 3.30 વાગ્યે દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સર્જરી લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. ન્યુરો સ્પેશિયાલિસ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલી આ સર્જરી બાદ સૈફની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવશે. ડૉ.લીના જૈન સૈફની પ્લાસ્ટિક સર્જરી કરશે. સૈફને કાંડા અને કમર ઉપરાંત ગળામાં પણ ઊંડો ઘા વાગ્યો છે.
આ પણ વાંચો: હુમલા બાદ સૈફ અલી ખાનને કોણ હોસ્પિટલ લઈને આવ્યું? પોલીસને નોકરાણી પર પણ શંકા
હાલમાં સૈફની સર્જરી થઈ છે અને તેને અંડર ઓબ્ઝર્વેશન ICUમાં રાખવામાં આવ્યો છે. ડૉક્ટરોની પરવાનગી બાદ પોલીસ સૈફ અલી ખાનનું નિવેદન નોંધશે, ત્યારપછી જ બાબતો વધુ સ્પષ્ટ થશે. હાલ પોલીસ સૈફના ઘરના સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. તેમજ આ મામલે વધુ તપાસ કરી રહી છે.