સૈફ અલી ખાને ઘૂંટણ અને ખભાની સર્જરી કરાવી
- વય સહજ ઘસારાના કારણે સર્જરી કરાવવી પડી
- લાંબા સમયથી પીડા હતી, વહેલી સવારે હોસ્પિટલ પહોંચી સર્જરી કરાવી
મુંબઇ : સૈફ અલી ખાનની સોમવારે સવારે મુંબઇની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે. તેને ઘૂંટણ તથા ખભામાં ફ્રેકચર થયું હોવાના અહેવાલો હતા. જોકે ખુદ સૈફે કરેલી સ્પષ્ટતા મુજબ લાંબા સમયથી વય સહજ ઘસારાના કારણે તેને પીડા થતી હતી અને આખરે તેણે તબીબી સલાહ અનુસાર સર્જરી કરાવી લીધી છે.
સૈફને લાંબા સમયથી ખભા તથા ઘૂંટણની તકલીફ હતી. તેને અગાઉ જ સર્જરી કરાવી લેવાની સલાહ મળી હતી. આજે સવારે આઠ વાગ્યાના અરસામાં સૈફ અને કરીના બંને એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં જ્યાં દિવસ દરમિયાન તેની સર્જરી કરવામાં આવી હતી.
સૈફની વય હાલ ૫૩ વર્ષ છે. તેણે જણાવ્યું હતું કે શારીરિક પ્રવૃત્તિઓને કારણે સાંધાઓને ઘસારો પહોંચતો હોય છે. મારા કિસ્સામાં પણ એવું જ થયું છે. આ કોઈ ગંભીર બાબત નથી. તેણે પોતાની તબિયત વિશે ચિંતા કરનારા ચાહકોનો આભાર માન્યો હતો.
અગાઉ એવા અહેવાલો હતા કે સૈફને ફ્રેકચર થયું છે. આથી તેને આ ઈજા ક્યારે કેવી રીતે થઈ તે અંગે ચાહકો ચિંતિત બન્યા હતા. દાવા અનુસાર સૈફને અગાઉથી ખભામાં તકલીફ હતી અને 'દેવરા' ફિલ્મના શૂટિંગ વખતે એક્શન સીનના શૂટિંગ દરમિયાન તેને ખભામાં વધારે ઈજા પહોંચી હતી.
આ અગાઉ 'રંગુન' ફિલ્મનાં શૂટિંગ વખતે પણ તેને ઘૂંટીમાં ઈજા થઈ હતી.