સૈફ પર હુમલો કરનારાને અભિનેતાના ઘરે લઈ ગઈ પોલીસ, ક્રાઇમ સીન રિક્રિએટ કરાયો તો 19 ફિંગરપ્રિન્ટ મળ્યા
Saif Ali Khan Attack Case Update: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલાં હુમલાના આરોપી મહોમ્મદ શરીફુલ ઇસ્લામ શહેઝાદ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપીને લઈને મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી. જ્યાં હુમલાના દિવસે બનેલી ઘટનાને રિક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસને ઘટનાસ્થળથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા છે. હાલ, પોલીસ આ ફિંગરપ્રિન્ટની તપાસ કરી રહી છે. આશરે એક કલાક સુધી તમામ જાણકારી એકઠી કરી પોલીસ આરોપીને લઈને સૈફના ઘરેથી નીકળી ગઈ છે.
ઘટનાસ્થળેથી મળ્યાં 19 ફિંગરપ્રિન્ટ
પોલીસને ફિંગરપ્રિન્ટના પુરાવા સૈફના ઘરના બાથરૂમની બારી, ડફ્ટ એરિયા, સીડી, અગાસી અને બાથરૂમ સિવાય એ સીડીમાંથી મળ્યાં, જેનો ઉપયોગ શરીફુલે સૈફના ઘરમાં ઘૂસવા અને બહાર નીકળવા કર્યો હતો. પોલીસે આ 19 ફિંગરપ્રિન્ટને આ મામલે મુખ્ય પુરાવો માનીને આગળની તપાસ હાથ ધરી છે.
મુંબઈ પોલીસે આ ફિંગરપ્રિન્ટને રાજ્ય અને રાષ્ટ્રીય ડેટાબેઝ સાથે ચેક કરાવ્યા છે, પરંતુ કોઈ મેચ નથી મળ્યું. તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'અમારે વિચારવું જોઈતું હતું કે, લૂંટારો બહારનો હોઈ શકે છે અને કદાચ બાંગ્લાદેશી નાગરિક પણ હોય શકે છે. કારણકે, ત્યાંથી મોટી સંખ્યામાં લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે.'
સૈફ અલી ખાન પર હુમલો
ગુરૂવારે (16 જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત સૈફ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. ડૉક્ટરનું કહેવું છે કે, એક્ટર ઝડપથી રિકવર થઈ રહ્યો છે અને હાલ તેને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. જોકે, સૈફ અલી ખાન પર થયેલાં હુમલાના કારણે આખું બોલિવૂડ જગત ચોંકી ઉઠ્યું છે. મુંબઈ પોલીસે હુમલાખોરની થાણેથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ સૈફ પર હુમલા મામલે મોટી અપડેટ, થોડા મહિના પહેલા પણ આરોપી એક્ટરના ઘરે ગયો હતો
કેવી રીતે ઘરમાં ઘૂસ્યો શરીફુલ?
ઘટનાના દિવસે આરોપી શરીફુલ સૈફની બિલ્ડિંગના સાતમાં માળ સુધી સીડીથી આવ્યો હતો. જ્યાં સૈફ અલી ખાન પોતાના પરિવાર સાથે રહે છે. આરોપી ડક્ટ એરિયામાં ઘૂસ્યો અને પાઇપની મદદથી બારમાં માળે પહોંચી ગયો હતો. બાદમાં તે સૈફ અને કરીનાના નાના દીકરા જહાંગીરના રૂમમાં હાજર બાથરૂમમાં ઘૂસી ગયો હતો. બહાર આવ્યા બાદ તેણે જેહની આયા અમિરિયા ફિલિપ્સને પકડી લીધી હતી. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન તેણે આયા પાસે એક કરોડ રૂપિયાની માંગ કરી હતી. જોકે, આયા અમિરિયા ફિલિપ્સની બૂમોના અવાજને સાંભળી સૈફ ત્યાં પહોંચ્યો અને શરીફુલનો સામનો કર્યો હતો.
બાંગ્લાદેશ પરત ફરવા કરી ચોરી
તપાસમાં સામે આવ્યું કે, શરીફુલ ભારતનું ઓળખપત્ર બનાવવા ઈચ્છતો હતો. જેના માટે તેણે ચોરી કરી પૈસા કમાવવાનું વિચાર્યું હતું. પરંતુ, બાદમાં તેણે પ્લાન બદલ્યો. જ્યારે તેણે એક ડાન્સ બારમાં કામ કર્યું અને પૈસાનો વરસાદ થતા જોયો, ત્યારે શરીફુલે વિચાર્યું કે, વધુમાં વધુ પૈસા કમાઈને બાંગ્લાદેશ પાછો જતો રહીશ. તેણે ચોરી કરવા બાન્દ્રા વિસ્તારને ટાર્ગેટ કર્યો. શરૂફુલ સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદાથી ગયો હતો, જોકે ત્યારે તેને જાણ નહતી કે તે કોઈ સેલિબ્રિટીના ઘરમાં ઘૂસ્યો છે.