સૈફ અલીના ઘરમાં હુમલાખોર ચોરીના ઈરાદે જ ઘૂસ્યો હતો, પ્રાથમિક તપાસ પછી પોલીસનું નિવેદન
Saif ali khan News | બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા મામલે મુંબઈ પોલીસે એક મોટું અપડેટ આપ્યું છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસ બાદ એક આરોપીની ઓળખ થઇ શકી છે. જોકે હજુ સુધી તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવાયા છે.
સ્ટાફ મેમ્બરનો ઓળખીતો હોવાનો દાવો
સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર સૈફ પર હુમલો કરનાર શખ્સ કોઈ સ્ટાફ મેમ્બરનો ઓળખીતો જ હતો અને એની મદદથી જ તે ઘરમાં પ્રવેશ્યો હતો. પોલીસે ઘરના સીસીટીવી ચકાસ્યા પણ તે અંદર આવતો દેખાયો નથી. હાલમાં સૈફના ઘરમાં ફ્લોરિંગના પોલિશિંગની કામગીરી ચાલી રહી હતી. એના માટે આવેલા મજૂરોની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. મુંબઈ પોલીસે સૈફનું નિવેદન પણ નોંધ્યું છે. પોલીસને એવી પણ આશંકા છે કે તે બાજુની ઈમારતમાંથી દિવાલ કૂદીને સૈફના ઘરમાં પ્રવેશ્યો હશે કેમ કે સીસીટીવી કેમેરામાં મેઈન ગેટ પરથી કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશતી દેખાઈ નથી.
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિતે આપી માહિતી
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેદામે કહ્યું કે સૈફ અલી ખાન પર રાતના 2 વાગ્યાની આજુબાજુ ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાળકોના રૂમમાં બની હતી. સૈફ અલી બાંદ્રામાં પરિવાર સાથે રહે છે અને તેમનું એપાર્ટમેન્ટ સાતમા માળે છે. અમે આ મામલે સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મહિલા કર્મીને પણ હુમલા વખતે ઈજા થઇ હતી.