એક્ટર સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ: ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર
Image:Twitter
નવી મુંબઇ,તા. 22 જાન્યુઆરી 2024, સોમવાર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં આજે સવારે 8 વાગે દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે એક્ટરના ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું છે અને તેમના ઘૂંટણ પર સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલમાં સૈફ સાથે તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર ખાન પણ હાજર છે.
મળતી માહિતી પ્રમાણે આ સર્જરી લાંબા સમયથી પેન્ડિંગ હતી તેથી આજે આ સર્જરી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, આ સર્જરી વધુ સિરીયસ નથી અને સૈફ અલી ખાનની તબિયત પણ ઠીક છે.
સૈફ અલી ખાન હાલમાં સાઉથની ફિલ્મ દેવરામાં કામ કરી રહ્યો છે. આમાં તે ભહિરાનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર પણ છે. આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. શક્ય છે કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન ઈજાગ્રસ્ત થયો હોય, પરંતુ સાચું કારણ હજુ સામે આવ્યું નથી.
મહત્વનું છેકે, આ પહેલીવાર નથી કે એક્ટર ફિલ્મના શુટીંગમાં ઘાયલ થયો હોય, આ પહેલાં 2016માં 'રંગૂન' ફિલ્મના સેટ પર સૈફ અલી ખાન ઘાયલ થયો હતો. તે સમયે તેમને અંગૂઠામાં ઈજા થઈ હતી.