Get The App

સૈફ પર હુમલા મામલે મોટી અપડેટ, થોડા મહિના પહેલા પણ આરોપી એક્ટરના ઘરે ગયો હતો

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
સૈફ પર હુમલા મામલે મોટી અપડેટ, થોડા મહિના પહેલા પણ આરોપી એક્ટરના ઘરે ગયો હતો 1 - image


Saif Ali Khan Attack Update: સૈફ અલી ખાન પર હુમલા સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસને શંકા છે કે, થોડા મહિના પહેલાં સૈફ અલી ખાનની પાર્ટી હતી. જેમાં હાઉસ કીપિંગ એજન્સી દ્વારા આરોપી સૈફના ઘરમાં ઘૂસી ગયો હતો. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતાં જણાવ્યું કે, 'તે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેજાદ છે. તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા નથી. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજોય દાસ કે પછી BJ તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. 

મુંબઈ પોલીસના ડીસીપીએ આ વિશે કહ્યું હતું કે, 'આરોપીએ કબૂલ્યું છે કે તે ચોરીના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. તેને ખબર નહોતી કે આ સૈફ અલી ખાનનું ઘર છે.'

આ પણ વાંચોઃ 'હુમલાખોર ચોરીના ઈરાદે નહીં પણ હુમલો કરવા આવ્યો હતો..' સૈફ પર હુમલા અંગે કરીના કપૂરના ખુલાસા

પ્રાથમિક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આરોપી પોતાનું નામ બિજોય દાસ કે પછી મોહમ્મદ ઈલિયાસ જેવા નામો આપી રહ્યો હતો. જોકે પોલીસે પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ટપકડાયેલો આ આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે અને તે 5-6 મહિના પહેલાં જ મુંબઈ આવ્યો હોવાની ચર્ચા છે. મોડી રાતે લગભગ 100 જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યાં રિમાન્ડની માંગ કરવામાં આવશે.'

બારમાં હાઉસ કીપિંગ કરતો હતો 

માહિતી અનુસાર મો. શહેજાદ એ જ વ્યક્તિ છે જેણે 16 જાન્યુઆરીની રાતે ઘરમાં ઘૂસીને સૈફ પર ચપ્પાથી હુમલા કર્યા હતા. આરોપીની ઓળખ પહેલા વિજય દાસ તરીકે જાહેર કરાઈ હતી પરંતુ તે પછીથી મો.શહેજાદ હોવાનો ખુલાસો થયો છે. પકડાયા બાદ તેણે પોલીસ સામે સ્વીકાર્યું કે મેં જ સૈફ અને કરીનાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. આરોપીની ઓળખ લગભગ 30 વર્ષની આજુબાજુ હોવાની આશંકા છે.  

આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર થયેલા હુમલામાં કોઈ અંડરવર્લ્ડ ગેંગનો હાથ નહીં: મહારાષ્ટ્રના મંત્રી

સૈફ પર ચપ્પાથી 6 વખત હુમલો કર્યો હતો 

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન પર મોડી રાતે ઘરમાં ઘૂસીને ચપ્પાથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલો ચોરીના ઈરાદે કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે હવે અસલ ચોર પકડાઈ ગયો છે ત્યારે તે સૈફના ઘરમાં કેમ ઘૂસ્યો હતો તેના રહસ્યો ઉઘાડા પડશે. હાલમાં સૈફની હાલત સ્થિર છે અને તે રિકવરી મોડમાં છે. ગઇકાલે જ ડૉક્ટરોએ તેનું હેલ્થ અપડેટ આપ્યું હતું જેમાં તે ઝડપથી રિકવર થઇ રહ્યો હોવાની જાણકારી આપી હતી. સૈફની સર્જરી પણ સફળ રહી હતી. 


Google NewsGoogle News