સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ત્રણની અટકાયત, મુખ્ય ગુનેગાર હજુ પણ ફરાર
Saif Ali Khan News: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના બાન્દ્રા વેસ્ટમાં આવેલા ઘરમાં ગુરુવારે (16મી જાન્યુઆરી) વહેલી સવારે ચોરી કરવા આવેલા એક ચોરે સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં સૈફ અલી ખાનને ગંભીર ઈજાઓ થતા તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, આ મામલે બાંદ્રા પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત અભિનેતાના ઘરની અંદર અને બહારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પરિવારના લોકો સુરક્ષિત છે
અહેવાલો અનુસાર, આ ઘટનામાં સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન અને બાળકો તૈમૂર અને જહાંગીર અલી ખાન સુરક્ષિત છે. બાંદ્રા પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, સૈફ અલી ખાન મુંબઈના બાન્દ્રાના પોશ વિસ્તારમાં રહે છે. અભિનેતાના ઘરમાં કડક સુરક્ષા હવા છતા આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચો: સૈફ અલી પર ચોરે 6 વખત ચપ્પા વડે હુમલો કર્યો, ગળા-પીઠ અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ
સૈફના ઘરમાં ચોર કેવી રીતે ઘૂસ્યો?
સૂત્રોનું કહેવું છે કે સૈફના ઘરમાં એક પાઇપલાઇન છે જે તેના બેડરૂમમાં ખુલે છે. પ્રાથમિક તપાસમાં ચોર ત્યાંથી ઘરમાં ઘૂસ્યો હોવાની પ્રબળ શક્યતા છે. માહિતી મળી છે કે આયાએ નોકરાણી અને ચોર વચ્ચેની દલીલનો અવાજ સાંભળ્યો હતો. આ પછી તે તરત જ ઊભી થઈ ગઈ. પોતાના પરિવારને બચાવવા માટે સૈફે હુમલાખોર સાથે સીધી લડાઈ કરી હતી. જેમાં સૈફ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં ચોર ભાગી ગયા અને અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.