શાહરૂખના ઘરમાં પણ અજાણ્યા શખસનો ઘૂસવાનો પ્રયાસ, નિસરણી મૂકી રેકી પણ કર્યાનો દાવો
Saif Ali Khan Stabbed: સૈફ અલી ખાન પર હુમલાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે, સૈફ અલી ખાન પર હુમલો કરનારા શકમંદ આરોપી જેવો જ એક વ્યક્તિ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના ઘરની પણ રેકી કરી રહ્યો હતો.
સૂત્રો અનુસાર, 14 જાન્યુઆરીએ કોઈ અજાણ્યા વ્યક્તિએ શાહરૂખ ખાનના ઘરની રેકી કરી હતી. શાહરૂખ ખાનના ઘર મન્નત પાસે આવેલા રિટ્રીટ હાઉસની પાછળ 6 થી 8 ફૂટ લાંબી લોખંડની સીડી મૂકીને ઘરની અંદર શું ચાલી રહ્યું છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વધુ તપાસ માટે પોલીસ શાહરૂખના ઘરે પહોંચી હતી.
બંને શકમંદ શખ્સ એક જ
પોલીસને આશંકા છે કે જે વ્યક્તિએ શાહરૂખ ખાનના ઘરે રેકી કરી હતી તે જ વ્યક્તિએ સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. કારણ કે પોલીસને શાહરૂખ ખાનના ઘર પાસેથી મળી આવેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિની ઊંચાઈ અને શરીરનો બાંધો સૈફ અલી ખાનના ઘરે સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા વ્યક્તિ સાથે મેળ ખાય છે.
એકથી વધુ લૂંટારૂઓ હોવાની આશંકા
એટલું જ નહીં, સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસને આ ઘટનામાં એકથી વધુ લૂંટારૂઓ સામેલ હોવાની આશંકા છે. કારણ કે રેકી માટે જે લોખંડની સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને એક જ વ્યક્તિ ઊંચકી શકે તેમ નથી. તેના માટે ઓછામાં ઓછા બેથી ત્રણ લોકોની જરૂર પડશે.
પોલીસે શકમંદની ધરપકડ કરી
મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એક શકમંદની અટકાયત કરી છે. બુધવારે પોલીસની ટીમ અભિનેતાના ઘરે પહોંચી હતી, જ્યાં તેના ઘરના તમામ સ્ટાફ સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ સૈફની મહિલા સ્ટાફને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર મામલામાં પૂછપરછ કરવામાં આવી હતી. આ એ જ મહિલા સ્ટાફ હતી જેણે ચોરને જોઈને એલર્ટ એલાર્મ વગાડ્યું હતું. જે સાંભળતા જ સૈફ અલી ખાન રૂમમાં આવ્યો હતો અને ચોરનો સામનો કર્યો હતો. જેમાં સૈફને ચાકુના છ ઘા વાગ્યા હતા.
મુંબઈ ડીસીપીનું કહેવું છે કે જે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે તેના પર ઘરફોડ ચોરીનો આરોપ છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. સૈફ પર હુમલા બાદ મુંબઈ પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ઓળખ થઈ હતી. હુમલા બાદ આરોપી બાંદ્રા સ્ટેશન પર જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસની 35 ટીમો આ મામલે તપાસ કરી રહી છે. જેમાં 15 ટીમો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અને 20 ટીમ મુંબઈ લોકલ પોલીસની છે.