સૈફ પર હુમલા અંગે કરીના કપૂર ખાનની પહેલી પ્રતિક્રિયા, ફેન્સને અટકળો ન લગાવવા કરી અપીલ
Saif Ali Khan Attacked With Knife: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર મોડી રાત્રે થયેલા હુમલા બાદ તેની પત્ની કરીના કપૂર ખાને પ્રથમ પ્રતિક્રિયા આપી છે. કરીના કપૂર ખાને ચાહકો અને મીડિયાને ધીરજ રાખવા અને અટકળો ન લગાવવા અપીલ કરી છે. ગઈકાલ મોડી રાત્રે સૈફ પર એક અજાણ્યા શખ્સે ચપ્પાના છ ઘા માર્યા હતા. જેમાં તેને કરોડરજ્જૂ અને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફની ન્યૂરો સર્જરી બાદ કોસ્મેટિક સર્જરી પૂર્ણ થઈ છે. અને હવે તે સ્વસ્થ હોવાનું હોસ્પિટલે જણાવ્યું છે.
કરીના કપૂરે શાંતિ જાળવવા કરી અપીલ
કરીના કપૂરે પતિ પર થયેલા હુમલા પર પ્રથમ પ્રતિક્રિયા આપી હતી કે, 'ઘરમાં ગઈકાલ મોડી રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો. જેમાં પરિવારને બચાવવા જતાં સૈફ પર ચોરે ચપ્પાથી હુમલો કર્યો હતો. તેને હાથમાં વાગ્યું છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. અમે મીડિયા અને ચાહકોને અપીલ કરીએ છીએ કે, તેઓ ધીરજ જાળવે અને કોઈ અટકળો ન ફેલાવે. પોલીસ તપાસ કરી રહી છે. તમારી ચિંતા માટે તમામનો આભાર...'
સૈફની સર્જરીમાં 3 ઈંચ લાંબી ધારદાર વસ્તુ નીકળી
લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો. નીરજ ઉત્તમાનીએ જણાવ્યું કે, સૈફ અલી ખાનને તેના બ્રાંદ્રા સ્થિત ઘરમાં એક અજાણ્યા શખ્સે ચાકુના છ ઘા માર્યા હતા. સવારે 3.30 વાગ્યે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જેમાં કરોડરજ્જૂની નજીક વાગેલો ઘા ઊંડો હતો. એક્ટરના ઓપરેશન ન્યૂરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિસ્ટ ડો. ના નેતૃત્વ હેઠળ સારવાર ચાલી રહી છે. ન્યૂરો સર્જરી પૂર્ણ થઈ છે. જેમાં એક્ટરના શરીરમાંથી 3 ઈંચ લાંબી ધારદાર વસ્તુ કાઢવામાં આવી છે. જે ચપ્પાનો એક હિસ્સો છે. કોસ્મેટિક સર્જરી ચાલી રહી છે.
કેવી રીતે થયો હુમલો?
સૈફના મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં અચાનક ચોર ઘૂસી આવ્યો હતો. જેની જાણ સૌ પ્રથમ નોકરાણીને થઈ હતી. નોકરાણીએ બૂમાબૂમ કરતાં સૈફ આવ્યો હતો. જેમાં ચોરે સૈફ પર ચપ્પાથી હુમલો કરી દીધો હતો. તેને ગળા, હાથ અને કરોડરજ્જૂના ભાગે ઈજાઓ થઈ હતી. ચપ્પાના કુલ છ ઘા વાગ્યા હતા. જેમાં કરોડરજ્જૂ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. નોકરાણી પર પણ હુમલો થયો હતો, તેને સામાન્ય ઈજા થઈ હતી. નોકરાણી પણ લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. તેની હાલત સ્થિર છે.