નોકરાણી સાથે ઝઘડી રહેલા ચોરને રોકવા ગયો અને..' સૈફ પર હુમલા અંગે મુંબઈ પોલીસનું નિવેદન
Saif Ali Khan Stabbed By burglary: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર મોડી રાત્રે ચાકુ વડે હુમલો થયો છે. એક અજાણ્યા શખ્સે અભિનેતાના મુંબઈ સ્થિત ઘરમાં ઘૂસીને રાત્રે બે વાગ્યે ધારદાર ચાકુ વડે હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. સૈફના શરીર પર છ વખત ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. એક્ટર હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. મુંબઈ પોલીસ હુમલાખોરને શોધવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ માટે મુંબઈ પોલીસની સાત ટીમ તૈનાત કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, બુધવાર રાત્રે બે વાગ્યા આસપાસ એક અજાણ્યા શખ્સ ચોરી કરવાના ઈરાદે એક્ટરના ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારે તેની એક નોકરાણીએ તેને ઝડપી લેતાં તેની સાથે વિવાદ કરી રહ્યો હતો, તે સમયે સૈફ અલી ખાને દખલગીરી કરી હતી. પરંતુ તે શખ્સે સૈફ અલી ખાન પર અચાનક ચાકુ વડે હુમલો કરી દીધો હતો. અમને રાત્રે ત્રણ વાગ્યે આ અંગે માહિતી મળી હતી. સૈફ હાલ હોસ્પિટલમાં છે. તેમની સાથે વાતચીત થઈ શકી નથી. તપાસ ચાલુ છે. આ હુમલામાં એક મહિલા સ્ટાફ પણ ઘાયલ છે. હાલ બંનેની સ્થિતિ સ્થિર છે. ઘટનાના બે કલાક પહેલાંના સીસીટીવી ફુટેજમાં કોઈ અંદર જતાં જોવા મળ્યો નથી. જેથી હુમલાખોર અગાઉથી જ અંદર હોવાની આશંકા છે. સીબીઆઈ અધિકારી સહિત મુંબઈ પોલીસ અમુક શંકાસ્પદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
શરીરમાંથી નીકળી 3 ઈંચ લાંબી અણીદાર વસ્તુ
લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો. નીરજ ઉત્તમાનીએ જણાવ્યું કે, સૈફ અલી ખાનને તેના બ્રાંદ્રા સ્થિત ઘરમાં એક અજાણ્યા શખ્સે ચાકુના છ ઘા માર્યા હતા. સવારે 3.30 વાગ્યે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જેમાં કરોડરજ્જૂની નજીક વાગેલો ઘા ઊંડો હતો. એક્ટરના ઓપરેશન ન્યૂરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિસ્ટ ડો. ના નેતૃત્વ હેઠળ સારવાર ચાલી રહી છે. ન્યૂરો સર્જરી પૂર્ણ થઈ છે. જેમાં એક્ટરના શરીરમાંથી 3 ઈંચ લાંબી અણીદાર વસ્તુ કાઢવામાં આવી છે. જે ચાકુનો હિસ્સો છે. કોસ્મેટિક સર્જરી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ, મોડી રાતે ઘરમાં ચોર ઘૂસ્યો
હુમલામાં નોકરાણી પણ ઘાયલ
સૂત્રો અનુસાર, એક્ટર સૈફ અલી ખાનને ગરદન પર અને કમરના ભાગે ચપ્પાના ઘા વાગ્યા હતાં. જેમાં કરોડરજ્જુ પર ઊંડો ઘા વાગ્યો છે. તેના ઘરની નોકરાણી પણ ઘાયલ છે. સૈફના ઘરમાં એક ડક્ટ છે. જે બેડરૂમની અંદર ખૂલે છે. પ્રારંભિક તપાસમાં પોલીસને શંકા છે કે, ચોર આ ડક્ટ મારફત ઘરમાં પ્રવેશ્યો હશે, બાળકોના રૂમમાં જ સૈફ પર હુમલો થયો હતો. તૈમૂર અને જેહ સુરક્ષિત હોવાનું કરીના કપૂર ખાનની ટીમે જણાવ્યું છે. ઈજાગ્રસ્ત નોકરાણી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. જેની હાલત સ્થિર છે. કરીના કપૂર બહેન કરિશ્મા કપૂર સાથે હોસ્પિટલ ગઈ હતી.
પરિવારની સુરક્ષા માટે ચોરનો સામનો
એક્ટરની ટીમે આપેલા નિવેદન અનુસાર, આ ઘટના દરમિયાન કરીના કપૂર અને તેમના બાળકો તૈમૂર અને જેહ સહિત આખો પરિવાર ઘરમાં જ ઉપસ્થિત હતો. સૈફ અલી ખાને પરિવારની રક્ષા માટે ચોરનો સામનો કર્યો હતો. સૈફના ઘરમાં ચોરીના પ્રયાસમાં આ હુમલો થયો હતો. હુમલાખોર એક્ટરને ચાકુના છ ઘા મારી ભાગી ગયો હતો. સૈફની હાલ સર્જરી થઈ રહી છે.