સૈફ અલી ખાન પર થયેલા હુમલામાં કોઈ અંડરવર્લ્ડ ગેંગનો હાથ નહીં: મહારાષ્ટ્રના મંત્રી
Saif Ali Khan Attacked: હુમલામાં ઘાયલ થયેલા એક્ટર સૈફ અલી ખાનની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ શુક્રવારે કહ્યું કે, 'તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, તેમને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.' ત્યારે હવે ઘટના અંગે પોલીસ અને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે, હુમલાની ઘટનામાં એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે કહ્યું કે, 'આ ઘટના પાછળ કોઈ અંડરવર્લ્ડ ગેંગનો હાથ નથી.'
આ પણ વાંચો: સૈફ અલી ખાન કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ નહીં: પોલીસની સ્પષ્ટતા
સેફ (54) પર બુધવાર મોડી રાત્રે તેમના બાંદ્રા સ્થિત ઘર પર એક હુમલાખોરે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં એક્ટરના ગળા સહિત છ જગ્યાઓ પર ઈજા પહોંચી. લીલાવતી હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી.
લીલાવતી હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ. નિતિન ડાંગેએ કહ્યું કે, 'અમે તેમની દેખરેખ કરી રહ્યા છીએ અને આશા અનુસાર તેમની તબિયતમાં સારો સુધારો થઈ રહ્યો છે. તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને તેઓ સારું અનુભવશે તો અમે તેમને બેથી ત્રણ દિવસમાં રજા આપી દઈશું. ડૉક્ટરોની એક ટીમે તેમની તપાસ કરીને તેમને ચલાવીને જોયું.'
આ પણ વાંચો: શાહરૂખના ઘરમાં પણ અજાણ્યા શખસનો ઘૂસવાનો પ્રયાસ, નિસરણી મૂકી રેકી પણ કર્યાનો દાવો
બુધવારે સૈફ અલી ખાનની સર્જરી કરનારી ટીમના મુખ્ય ડૉક્ટર ડાંગે કહ્યું કે, 'હવે સૈફને ICUથી બહાર લવાયા છે. અમે તેમને એક સ્પેશિયલ રૂમમાં લાવ્યા છીએ.'
તેમણે કહ્યું કે, 'ખાનને ત્રણ ઈજા થઈ. બે હાથ પર અને એક ગાલ પર ડાબી સાઈડ. એક મોટી ઈજા પીઢ પર આવી, જેને આપણે થોરેસિક સ્પાઇન કહે છે. શરીરમાં ધારદાર વસ્તુ ઘુસી ગઈ હતી. જો કે તેનાથી તંતુને નુકસાન નથી થયું.'