ડિસ્ચાર્જ થતાં જ ફિટ કઈ રીતે થયો? રિક્ષામાં હોસ્પિટલ કેમ ગયા? સૈફ અલી ખાને 7 સવાલોના જવાબ આપ્યા
Saif Ali Khan : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરમાં થયેલા જીવલેણ હુમલો બાદ તેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. હુમલો થયા બાદ સૈફ રિક્ષામાં બેસીને કેમ હોસ્પિટલ ગયો? પૂત્ર તૈમુર કેમ તેની સાથે હતો?....જેવા અનેક સવાલોના જવાબ હવે સૈફ અલી ખાને આપ્યા છે.
તૈમુરને કેમ સાથે લઇ ગયો?
સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'તૈમુરે મને કહ્યું કે હું પણ સાથે આવીશ. મને લાગ્યું કે મને કંઇક થઇ ગયું તો...ત્યારે મને તૈમુર સામે જોઇને રાહત મળી હતી. હું એકલો જવા માંગતો નહોતો. જો મને કંઇક થઇ જાય તો હું ઈચ્છતો હતો કે તૈમુર મારી સાથે હોય.'
રિક્ષામાં કેમ હોસ્પિટલ પહોંચ્યો સૈફ?
આ ઘટના દરમિયાન હોસ્પિટલ સૈફ રિક્ષા દ્વારા પહોંચ્યો હતો. ઘણાં લોકોએ આ અંગે શંકા વ્યકત કરી હતી. જેને લઈને સૈફે જણાવ્યું હતું કે, 'રાતે કોઈ પણ ડ્રાઈવર ઉભો રહેતો નથી. વધુ જરૂરીયા હોય તો જ કોઈ ઉભા રહે છે. બધાને પોતાનું ઘર હોય છે.'
ડ્રાઈવરને કેમ ન બોલાવ્યો?
સૈફે જણાવ્યું કે, 'જો મને ચાવી મળી ગઈ હોત તો હું ખુદ કાર ચલાવીને જતો રહ્યો હોત. જો કે, સારું થયું કે ચાવી ન મળી કારણ કે, પીઠને ઝટકા આપવા સારું ન હતું. મોડી રાત થઇ ગઈ હોવાથી મેં ડ્રાઈવરને ન બોલાવ્યો કારણ કે તેને અહીં સુધી પહોંચવામાં વધુ સમય લાગી જાત.'
ડિસ્ચાર્જ થતાં જ ફિટ કઈ રીતે થયો?
ડોકટરોએ જણાવ્યું હતું કે, સૈફને જે ઈજા થઇ છે તેના કારણે તેને પેરાલીસીસ પણ થયો હતો. જો કે સૈફ સાજો થઈ ગયા બાદ લોકોએ આને એક પબ્લિક સ્ટંટ જણાવ્યો હતો. સૈફે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'હું પેરેલાઈઝ્ડ થઇ શક્યો હોત, જો કે આવું થયું નહી. મને થયેલી ગંભીર ઈજા છતાં હું બચી ગયો તે એક ચમત્કાર જ હતો.'
હોસ્પિટલ પહોંચતા કેમ સમય લાગ્યો?
સૈફે કહ્યું કે, 'હા લોકોએ મને પૂછ્યું હતું કે, પીઠ પર ચાકુ લાગ્યું હોવા છતાં હું દોઢ કલાક સુધી શું કરી રહ્યો હતો. એવું કશું જ નહોતું. હું સીડી ઉતરીને બહાર આવી ગયો હતો. મને જે પહેલી રિક્ષા મળી તેમાં હું હોસ્પિટલ પહોંચી ગયો હતો. ત્યારબાદ તે (કરીના અને જેહ) લોકો કરિશ્માની ઘરે જતા રહ્યા હતા. ક્યાંય સમય લાગ્યો નહોતો.'
આ સમગ્ર ઘટના દરમિયાન કરીના ક્યાં હતી?
કરીનાને લઈને સૈફે કહ્યું કે, 'જયારે હું હુમલાખોર સામે લડી રહ્યો હતો ત્યારે કરીના જેહને લઈને તૈમુરના રૂમમાં હતી. ત્યારબાદ તે લોકો ઘરની બહાર જતા રહ્યા હતા. કરીના મદદ માટે લોકોને કોલ કરી રહી હતી. તૈમુર મારી સાથે હોસ્પિટલ આવ્યો હતો અને કરીના જેહને લઈને કરિશ્માના ઘરે જતી રહી હતી.'
માણસ ઘરમાં કઈ રીતે ઘૂસ્યો?
વધુમાં સૈફે કહ્યુ કે, 'આ ઘટના સંપૂર્ણપણે એક અકસ્માત જ હતો. કોઈપણ અંદરનું માણસ દોષિત નથી. જે તે શખસ પાઈપલાઈનના સહારે ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં ઘૂસ્યો હતો. તેને ખબર પણ ન હતી કે આ કોનું ઘર છે.'