અમરણ ફિલ્મમાં સાઈ પલ્લવીનો મોબાઈલ નંબર બ્લર કરાયો
- બહુ વખણાયેલી ફિલ્મ કાનૂની વિવાદમાં
- આ નંબર ધરાવતા યુવક દ્વારા ફિલ્મ નિર્માતાઓ સામે એક કરોડનો વળતરનો દાવો
મુંબઇ : સાઈ પલ્લવીની ફિલ્મ 'અમરન' થિયેટર રીલિઝમાં સુપરહિટ થયા બાદ હવે ઓટીટી પર પણ રજૂ થઈ ચૂકી છે અને આ ફિલ્મ હિંદી દર્શકોમાં પણ બહુ જ પ્રશંસા પામી છે. પરંતુ, આ ફિલ્મના ઓટીટી વર્ઝનમાં એક દ્રશ્યમાંથી સાઈ પલ્લવીનો મોબાઈલ નંબર બ્લર કરી દેવામાં આવ્યો છે. આ નંબર ખરેખર ચેન્નઈના એક યુવકનો હોવાથી તે ભારે મુશ્કેલીમાં મૂકાયો હતો અને તેણે ફિલ્મના નિર્માતાઓ પર ૧.૧ કરોડનાં વળતરનો દાવો પણ માંડયો છે.
ફિલ્મમાં એક દ્રશ્ય એવું છે જેમાં સાઈ પલ્લવી હિરોને પોતાનો નંબર આપે છે. ફિલ્મમાં જે મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે તે ચેન્નઈના એક એન્જિનિયરિંગ યુવકનો વાસ્તવિક નંબર છે. ફિલ્મ રીલિઝ થયા બાદ કેટલાય લોકો આ ખરેખર સાઈ પલ્લવીનો નંબર છે એમ માની તેને ફોન કરવા લાગ્યા હતા. આ યુવકના આધાર સહિતના મહત્વના દસ્તાવેજો આ નંબર સાથે લિંક થયેલા હોવાથી તે તેને બદલી શકે તેમ પણ નથી.
હવે ઓટીટી પર રીલિઝ થયેલી ફિલ્મમાં આ નંબર બ્લર કરી દેવામાં આવ્યો છે. જોકે, તે પહેલાં આ યુવકને જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે.