ધનુષ અને ઐશ્વર્યા વચ્ચે સુલેહના પ્રયાસોની અફવા
- છૂટાછેડાના કેસમાં બંને કોર્ટમાં ગેરહાજર
- ધનુષ કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની પોસ્ટસને લાઈક પણ કરી રહ્યો છે
મુંબઇ : રજનીકાંતની દીકરી ઐશ્વર્યા અને જમાઈ ધનુષ વચ્ચે સુલેહના પ્રયાસો ચાલી રહ્યા હોવાની અટકળો છે. બંને છૂટાછેડાના કેસમાં નિયત તારીખે કોર્ટમાં હાજર ન થતાં આ અટકળોને વેગ મળ્યો છે.
ધનુષ અને ઐશ્વર્યાએ ૨૦૦૪માં લગ્ન કર્યાં હતાં. તેમના સંતાનોમા ંબે પુત્રો યુગ અને લિંગાનો સમાવેશ થાય છે. જોકે, આશરે ત્રણ વર્ષ પહેલાં તેઓ અલગ રહેવાં લાગ્યાં હતાં અને છેવટે ૨૦૨૨માં તેમણે સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે.
તેમનો કેસ ચેન્નઈની ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. પરંતુ, તેઓ હવે કોર્ટમાં નિયત તારીખે હાજર રહેવાનું ટાળી રહ્યા છે. આ વખતે કોર્ટે તા. ૧૯મી ઓક્ટોબરે વધુ સુનાવણી યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે તેઓ હાજર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
બીજી તરફ કેટલાક સમયથી ધનુષ ઐશ્વર્યાની સોશિયલ મીડિયા પોસ્ટસને લાઈક કરી રહ્યો છે. ઐશ્વર્યાએ રજનીકાંતને લઈ 'લાલ સલામ' ફિલ્મનું દિગ્દર્શન કરવાની જાહેરાત કરી ત્યારે ધનુષે તેેને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ઐશ્વર્યાએ ભૂતકાળની કેટલીક તસવીરો પોસ્ટ કરી ત્યારે પણ ધનુષે તેને લાઈક કરી હતી.
તે પરથી ચાહકો આશા સેવી રહ્યા છે કે સંતાનોના ભવિષ્ય ખાતર તથા રજનીકાંતની તબિયતને ધ્યાને રાખીને બંને છૂટાછેડા લેવાનું માંડી વાળે તેવું બની શકે છે.