Get The App

રિવ્યુઃ તાજ્જી સ્ટ્રીમ થયેલી ફિલ્મ ‘કલા’ કેવી છે?

કલા (તૃપ્તિ) 1930ના દાયકાની સફળ પ્લેબેક સિંગર

Updated: Dec 3rd, 2022


Google NewsGoogle News
રિવ્યુઃ તાજ્જી સ્ટ્રીમ થયેલી ફિલ્મ ‘કલા’ કેવી છે? 1 - image

એક ગુડ ન્યુઝ માટે રેડી થઈ જાઓ. ‘હિન્દી ફિલ્મોમાં હવે કશો દમ રહ્યો નથી... બોલિવુડ મરવા પડ્યું છે...’ એવા મતલબનો જે ઘોંઘાટ થઈ રહ્યો છે એનું વોલ્યુમ સૌથી પહેલાં તો ઓછું કરો અને પછી ધ્યાનથી સાંભળોઃ ના, બોલિવુડના બેસણાની તૈયારી શરૂ કરી દેવાની જરાય જરૂર નથી, કેમ કે આજની તારીખે પણ હિન્દી સિનેમા ‘કલા’ જેવી મસ્તમજાની ફિલ્મ તમારી સામે પેશ થઈ શકે છે. થિયેટરમાં રિલીઝ થવાને બદલે તે સીધી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ તો શું થયું, ફિલ્મ આખરે તો ફિલ્મ છે.

તો શું છે ‘કલા’માં? (અહીં ‘કલા’નો સ્પેલિંગ Kala નહીં, પણ Qala કરવામાં આવ્યો છે.) જો તમે ટ્રેલર જોયું હશે તો તરત તમને એક વાત સમજાઈ ગઈ હશે કે ‘કલા’નાં લૂક અને ફીલ એક પિરીયડ ફિલ્મ જેવાં છે અને તેમાં એક કલાકારની, ટુ બી પ્રિસાઇઝ, એક ગાયિકાની વાત છે. બિલકુલ સાચું. હજુ તો ટાઇટલ ક્રેડિટ્સ ઉપસી રહી હોય અને વાર્તા શરૂ પણ થઈ ન હોય ત્યાં તમને બીજી વાત સમજાઈ જાય છેઃ આ ફિલ્મ છે ભારે ખૂબસૂરત. પાત્રો સાથે ઓળખાણ થાય તે પહેલાં જ સ્ક્રીન પર એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ જેવાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિઝ્યુઅલ્સ આકાર લેવાં માંડે છે. ઇન ફેક્ટ, અહીં બધું જ સુંદર-સુંદર છે – બર્ફીલાં લોકેશન, આલિશાન ઘર, કોસ્ચ્યુમ્સ, એક્સેસરીઝ, લાઇટિંગ... સમગ્ર પ્રોડક્શન ડિઝાઇન તેમજ વિઝ્યુઅલ પેટર્નમાંથી જાણે સૌંદર્ય નીતરે છે. મુખ્ય નાયિકા કલા (તૃપ્તિ ડિમિર) પણ ક્યુટ-ક્યુટ અને રૂપકડી છે. અરે, એની માતાનો રોલ કરતાં સ્વસ્તિકા મુખર્જી સુધ્ધાં ભારે જાજવલ્યમાન દેખાય છે. સ્ટાઇલિશ સિનેમેટોગ્રાફીને કારણે સજીવ પાત્રો અને નિર્જીવ એલિમેન્ટ્સ બધું જ એવું દીપી ઉઠે છે કે, આપણને થાય કે, આ ફિલ્મ ખરેખર તો બિગ સ્ક્રીન પર જોવાની તક મળી હોત તો ઓર મજા આવત.      

શરૂઆતની થોડી મિનિટોમાં જ એસ્થેટિક્સનો આહલાદક અનુભવ કર્યા ગયા પછી તમે ફિલ્મની વાર્તામાં પ્રવેશ કરો છે. કલા (તૃપ્તિ) 1930ના દાયકાની સફળ પ્લેબેક સિંગર છે. બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં એણે ગાયેલાં ગીતો હિટ નીવડ્યાં છે એટલે તેણે કંઈકેટલાય અવોર્ડ્ઝ જીત્યાં છે. એ સેલિબ્રિટી છે, વૈભવી જીવન જીવે છે, પણ તોય એ ખુશ નથી. અંદર ને અંદર એ પીડાતી રહે છે. એને સતત લાગતું રહે છે કે કશુંક બરાબર નથી, કશુંક ખૂટે છે જિંદગીમાં. આ કશુંક એટલે એની માનો પ્રેમ. માનું અટેન્શન માટે, એના મોઢેથી પ્રશંસાના બે બોલ સાંભળવા માટે એ નાનપણથી ઝુરતી આવી છે. દીકરી વહાલનો દરિયો? એ શું વળી? મા-દીકરીના સંબંધમાં એવી ભયાનક ગાંઠ પડી ગઈ છે કે તે ખૂલવાનું નામ લેતી નથી. શા માટે પડી છે આ ગાંઠ? એવું તે શું બન્યું હતું એમની જિંદગીમાં? ફિલ્મના નરેટિવ (કથાપ્રવાહ)નું સ્ટીયરિંગ કોણે પોતાના હાથમાં રાખ્યું છે – દીકરીએ કે માએ? વેલ, આ પ્રશ્નોના જવાબ તમારે ફિલ્મ જોઈને મેળવી લેવાના છે.

‘કલા’ એક સાઇકોલોજિકલ ડ્રામા પણ છે અને મ્યુઝિકલ પણ છે. અહીં એક પણ પાત્ર કાર્ડબોર્ડ કટ-આઉટ જેવું સપાટ કે સીધુંસાદું નથી. રાઇટર-ડિરેક્ટર અન્વિતા દત્તાએ પાત્રોને - કથાને લેયર્ડ અને બહુપરિમાણી  બનાવ્યાં છે. ફિલ્મનો આ એક મોટો પ્લસ પોઇન્ટ છે. આ ફિલ્મમાં જન્નતનશીન ઇરફાન ખાનના દીકરા બબિલ ખાને ડેબ્યુ કર્યું છે. સરસ કામ કર્યું છે એણે. પર્ફોર્મન્સીસ બધાંનાં સરસ છે. હિરોઈન તૃપ્તિ ડિમિર તો આપણને હોરર-સુપરનેચરલ ફિલ્મ ‘બુલબુલ’માં જોઈ હતી ત્યારથી ગમી ગઈ હતી. ‘બુલબુલ’નાં ડિરેક્ટર પણ અન્વિતા દત્તા જ.

તો શું ‘કલા’ જોવાય? હા, જોવાય. જો તમને સરસ કથા, સુંદર અભિનય અને માનવમનની જટિલતામાં રસ પડતો હોય તો ‘કલા’ જોઈને તમને ખૂબ સંતોષ થશે... પણ જો તમને માત્ર ટાઇમપાસ હા-હા-હી-હી અને મારામારીમાં જ રસ પડતો હોય તો મહેરબાની કરીને ‘કલા’થી દૂર જ રહેજો.


Google NewsGoogle News