આલિયાની બેબી પ્રોડક્ટસ કંપની રિલાયન્સ ખરીદી લેશે
- ૩ વર્ષમાં જ આલિયાના પૈસા ડબલ થઈ ગયા
- આ કંપનીની બ્રાન્ડ વેલ્યુ ૧૫૦ કરોડ મનાય છે, રિલાયન્સ ૩૦૦ કરોડથી વધુ ચુકવશે
મુંબઇ: આલિયા ભટ્ટે શરુ કરેલી બેબી પ્રોડક્ટસની કંપની રિલાયન્સ દ્વારા ખરીદવામાં આવી રહી હોવાના અહેવાલો છે. આલિયાની આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ ૧૫૦ કરોડ મનાય છે પરંતુ રિલાયન્સ દ્વારા તેને ૩૦૦ કરોડથી વધુની ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે.
બંને પક્ષકારો વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને થોડા જ દિવસોમાં બન્ને એક કરાર પર હસ્તાક્ષર કરશે એમ કહેવાય છે.
આલિયાએ ૨૦૨૦માં આ કંપની શરુ કરી હતી. તે નવજાત બાળકો તથા તેમના મમ્મીઓ માટે અનેક પ્રોડક્ટસ વેચે છે. જોકે, આ કંપની માત્ર ઓનલાઈન વેચાણમાં જ કાર્યરત છે.
આલિયાએ આ પહેલાં કેટલાંક સેલિબ્રિટી કપલને ત્યાં બાળકના જન્મ વખતે પોતાની આ કંપનીની જ પ્રોડક્ટસ ગિફ્ટ તરીકે મોકલાવી હતી અને તે રીતે પોતાની બ્રાન્ડનું માર્કેટિંગ કર્યુ હતું.