મહાકુંભમાં સ્નાન કરતી કેટરિનાનો વીડિયો ઉતારાતાં રવિના નારાજ
- આ ઘટનાને ધૃણાસ્પદ ગણાવી
- બે શખ્સોએ કેટરિના સ્નાન કરતી દેખાતી હોય તે રીતે રીલ બનાવી વાયરલ કરી
મુંબઈ: તાજેતરમાં પૂર્ણ થયેલા મહાકુંભમાં કેટરિના કૈફ તેની સાસુ સાથે પવિત્ર સ્નાન કરવા ગઈ હતી. હવે કેટલાક શખ્શોએ કેટરિના બેકગ્રાઉન્ડમાં સ્નાન કરતી દેખાતી હોય તેવો વીડિયો બનાવી તેને રીલ તરીકે વાયરલ કર્યો છે. આ વીડિયોથી અન્ય નેટ યૂઝર્સ સાથે રવિના ટંડન પણ ભારે નારાજ થઈ છે.
આ વીડિયોમાં એક શખ્શ યે મૈ હું, યે મેરા ભાઈ હૈ ઔર યહ કેટરિના કૈફ હે એમ કહી કેટરિના પર ફોક્સ કરતો દેખાય છે. આ ઉપરાંત અન્ય એક ડ્રોન વીડિયો પણ વાયરલ થયો છે જેમાં કેટરિના ફરતે ભારે ભીડ જામી હોવાનું દેખાય છે.
ઈન્ટરનેટ પર અનેક યૂઝર્સ દ્વારા આ વીડિયોની આકરી ટીકા થઈ રહી છે. તેમાં રવિના ટંડન પણ સામેલ થઈ છે. રવિનાએ કહ્યું હતું કે આ બહુ ધૃણાસ્પદ છે. કેટલાક લોકો કોઈની શાંતિપૂર્ણ તથા અર્થપૂર્ણ ક્ષણોને આ રીતે બેહુદી બનાવી રહ્યા છે. સંખ્યાબંધ લોકોએ રવિનાની આ કોમેન્ટને અનુમોદન આપ્યું છે.
જોકે, કેટરિનાએ ખુદ હજુ સુધી આ વીડિયો વિશે કોઈ કોેમેન્ટ કરી નથી.