રવિના ટંડનને ફિલ્મોદ્યોગના ગંદા રાજકરણ પ્રત્યે સખત ચીડ
- વારંવાર ટાંટિયા ખેંચીને પાડવામાં આવ્યા છતાં હું ઊભી થઇને ચાલવા માંડતીઃઅભિનેત્રી
મુંબઇ : રવિના ટંડનને હિન્દી ફિલ્મોદ્યોગમાં આવ્યે ત્રણ-૩ દશકના વહાણા વાઇ ગયાં. આ સમય દરમિયાન તેને અનેક વખત પછાડવાના-નકારવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. પરંતુ તે દર વખતે ઊભી થઇને ચાલવા માંડતી.૩૦ વર્ષની કારકિર્દી અને ૪૮ વર્ષની વયે અભિનેત્રી સ્વયં આ ફરિયાદ કરતાં કહે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિભાશાળી કલાકારો માટે ટકી રહેવું સહેલું નથી. હું ઊંચા ગજાના ફિલ્મ સર્જક રવિ ટંડનની પુત્રી હોવા છતાં મને અનેક વખત પાડવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. પરંતુ હું દર વખતે સામા પ્રવાહે તરીને પાર ઉતરતી. મને હંમેશાં એ પ્રશ્ન સતાવતો કે આ ફિલ્મોદ્યોગમાં પ્રતિભાશાળી કલાકારો માટે પોતાની ટેલેન્ટ પુરવાર કરવાનું આટલું બધું મુશ્કેલ કેમ છે? મને અહીંના ગંદા રાજકરણ પર સખત ચીડ છે.
અદાકારા વધુમાં કહે છે કે મેં મારી કારકિર્દી દરમિયાન અનેક પ્રતિભાશાળી કલાકારોને સંઘર્ષ કરતાં જોયાં છે. તેમાંના ઘણાં ટકી ગયાં તો કેટલાંક પડી ભાંગ્યા. આવી સ્થિતિથી મન ખાટું થઇ જાય છે.'મોહરા'(૧૯૯૪), 'ખિલાડિયોં કે ખિલાડી'(૧૯૯૬) જેવી સંખ્યાબંધ સફળ ફિલ્મો આપનાર અભિનેત્રીને એ વાતની ખુશી છે કે હવે બોલીવૂડની અભિનેત્રીઓને અગાઉની જેમ શોભાની પુતળી બનાવીને રાખવામાં નથી આવતી. તે કહે છે કે હવે અદાકારાઓને ધરખમ ભૂમિકાઓ ભજવવાની તક મળી રહી છે. તેઓ સમગ્ર ફિલ્મ પોતાના ખભે ઊંચકી શકે એવા રોલ તેમના ભાગે આવી રહ્યાં છે. અને દર્શકો પણ આ બદલાવ આવકારી-માણી રહ્યાં છે તે ખરેખર સરાહનીય છે.