રતન ટાટાએ એકમાત્ર ફિલ્મ બનાવી હતી અમિતાભ માટે, ફ્લોપ થયા બાદ ક્યારેય બોલિવૂડમાં પૈસા લગાવ્યા નહીં
Image Source: Twitter
Ratan Tata made a single film: દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સમૂહના ચેરમેન રતન ટાટાએ 86 વર્ષની દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. રતન ટાટાએ એક વિઝન સાથે જીવન જીવ્યું અને તેમણે પોતાના જીવનને એક મિશનમાં પરિવર્તિત કર્યું હતું. દેશના દરેક ઘરમાં રતન ટાટા ટાટા ગ્રુપ દ્વારા કોઈને કોઈ રીતે સમાયા છે. ટાટાએ દરેક ફિલ્ડ એક્સપ્લોર કરી હતી. તેમણે અલગ-અલગ ફિલ્ડમાં અલગ-અલગ આધાર નક્કી કર્યા અને સફળતા પણ હાથ લાગી. જો તેઓ કોઈ ક્ષેત્રને પોતાનું ન બનાવી શક્યા તો તે માત્ર ફિલ્મ ઉદ્યોગ છે. જો કે તેમણે આ ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો હતો પરંતુ તેમને કંઈ ખાસ સફળતા નહોતી મળી. હવે તમે વિચારી રહ્યા હશો કે રતન ટાટા એક્ટર બન્યા હતા કે પછી ફિલ્મની સ્ટોરી લખી, તો એવું નથી તેમણે ફિલ્મ બનાવવા માટે પૈસા લગાવ્યા હતા. એટલે કે તેમની ભૂમિકા એક પ્રોડ્યુસરની રહી હતી.
આ હતી એકમાત્ર ફિલ્મ
રતન ટાટા એ પ્રોડ્યુસર તરીકે ફિલ્મમાં પકડ જમાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો. ત્યારબાદથી તેમણે ફિલ્મોથી હાથ જોડી લીધા અને ત્યાર પછી તેમણે ક્યારેય પ્રયાસ ન કર્યો. રતન ટાટાએ બનાવેલી એક માત્ર ફિલ્મ 'એતબાર' છે, જે 2004માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રતન ટાટાએ જિતિન કુમાર, ખુશ્બુ ભધા અને મનદીપસિંહ સાથે મળીને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટે કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જ્હોન અબ્રાહમ, બિપાશા બાસુ, સુપ્રિયા પિલગાવકર, અલી અઝગર અને દીપક શિરકે જેવા કલાકારોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મના મ્યુઝિક પર રાજેશ રોશને કામ કર્યું હતું.
'એતબાર' 1996માં રિલીઝ થયેલી અમેરિકન ફિલ્મ 'ફિયર'નું રુપાંતરણ હતું. 'ફિયર' પર એક હિન્દી રુપાંતરણ પહેલેથી જ બનાવવામાં આવ્યું હતું, જેનું નામ 'ઈન્તેહા' હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું નિર્દેશન પણ વિક્રમ ભટ્ટે જ કર્યું હતું. આ ફિલ્મ માત્ર ત્રણ મહિના પહેલા ઑક્ટોબર 2003માં રિલીઝ થઈ હતી. 'એતબાર'ની સ્ટોરી એક પિતા ડૉ. રણવીર મલ્હોત્રા (અમિતાભ બચ્ચન)ની છે, જેઓ પોતાના પુત્ર રોહિતને ગુમાવ્યા બાદ પોતાની પુત્રી રિયા (બિપાશા બાસુ)માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે. તે પોતાની પુત્રીને પઝેસિવ અને અનપ્રેડિક્ટેબલ છોકરા આર્યન (જ્હોન અબ્રાહમ) સાથે રિલેશન રાખવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પુત્રી તેની અવગણના કરે છે અને તેની સાથે મળવાનું ચાલુ રાખે છે.
ફિલ્મ ફ્લોપ ગઈ
23 જાન્યુઆરી 2004ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ 'એતબાર' બોક્સ ઑફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મ તેની કિંમત પણ વસૂલ નહોતી કરી શકી. 9.30 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઑફિસ પર માત્ર 7.96 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ બિઝનેસની રીતે નિષ્ફળ સાબિત થઈ અને આ જ કારણ બન્યું કે રતન ટાટાએ ફરી ક્યારેય કોઈ ફિલ્મમાં પૈસા લગાવ્યા નહીં.