રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયોનું પગેરું મળ્યું
- ટૂંક સમયમાં આરોપી ઝડપાઈ શકે
- પોલીસ ફરિયાદ બાદ આઈપી એડ્રેસ માટે વીડિયોનું ટેકનિકલ એનાલિસીસ કરાયું
મુંબઇ : રશ્મિકા મંદાનાનો થોડા દિવસો પહેલા એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં બહુ મહત્વની કડી મળી ચૂકી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરાશે એમ દિલ્હી પોલીસે જણાવ્યું છે.
આ વીડિયો અંગે રાષ્ટ્રવ્યાપી ઉહાપોહ થયો હતો અને કેન્દ્ર સરકારે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તે પછી દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. વીડિયો ક્યાંથી પહેલીવાર અપલોડ થયો છે તેનું આઈપી એડ્રેસ શોધવા માટે ટેકનિકલ એનાલિસીસ હાથ ધરાયું હતું.
દિલ્હી પોલીસના સૂત્રોએ દાવો કર્યો હતો કે આરોપીની ધરપકડ હવે હાથવેંતમાં છે.
આ વીડિયોમાં મૂળ યુકેની મોડલ ઝારા પટેલના ચહેરાને મોર્ફ કરી તેની જગ્યાએ રશ્મિકાનો ચહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. લિફ્ટમાં એકદમ રિવિલિંગ જિમ આઉટફિટમાં પ્રવેશતી યુવતી ઝાર નહીં પણ રશ્મિકા જ હોય તેમ પહેલી નજરે જણાતું હતું.
આ ડીપ ફેક વીડિયો બાદ કેટરિના કૈફ અને કાજોલના પણ ડીપ ફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડીપ ફેક વિશે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે ડીપ ફેક વીડિયો ડિલીટ કરવા માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા ઈન્ટરનેટ કંપનીઓને સૂચના પણ આપી છે.