સોનાની દાણચોરીમાં પકડાયેલી રાન્યા રાવે DRI પર લગાવ્યા માનસિક ઉત્પીડનના આરોપ, કોર્ટમાં રડી પડી
Ranya Rao Gold Smuggling Case: દુબઈથી સોનાની દાણચોરીમાં બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાન્યાએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ પર માનસિક ઉત્પીડન અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન તે કોર્ટમાં રડી પડી હતી. જ્યારે અધિકારીઓએ તેના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે અભિનેત્રી તપાસમાં સહકાર આપી રહી નથી.
હાઈ-પ્રોફાઈલ સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ બાદ અભિનેત્રીને શુક્રવારે આર્થિક અપરાધની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને 24 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
રાન્યાએ DRI અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ મૂક્યો
હાજરી દરમિયાન કોર્ટે રાન્યાને ઘણા પ્રશ્નો પૂછ્યા હતાં. કોર્ટે અભિનેત્રીને પૂછ્યું કે શું તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? આથી અભિનેત્રી કોર્ટમાં જ રડી પડી હતી અને DRI અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે તેને પૂછ્યું કે, શું તેણે તબીબી સારવાર લીધી છે? આ સવાલનો જવાબ આપતા અભિનેત્રીએ ધ્રૂજતા અવાજમાં દાવો કર્યો કે તેને માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. રાન્યાએ કોર્ટને કહ્યું કે, 'જો હું જવાબ નહીં આપું તો તેઓ મને ધમકી આપી છે કે, હું કોર્ટમાં જવાબ નહીં આપુ તો મારી સાથે તેઓ આગળ કંઈ પણ કરી શકે છે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ આ રીતે રિટાયરમેન્ટ બાદ દર મહિને રૂ. એક લાખ સુધીનું પેન્શન મેળવી શકશે
થર્ડ ડિગ્રીનો ઉપયોગ કર્યો હતો?
કોર્ટે રાન્યાને પૂછ્યું હતું કે, શું તેની પૂછપરછમાં થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતાં રાન્યાએ કહ્યું કે,, 'મને માર મારવામાં આવ્યો નથી. પરંતુ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના કારણે મને ઘણી માનસિક તકલીફ થઈ છે.
ડીઆરઆઈએ આરોપોને ફગાવ્યા
કોર્ટમાં અભિનેત્રીની હાજરી દરમિયાન છથી વધુ ડીઆરઆઈ અધિકારીઓ હાજર હતા. રાન્યાના દાવાને ફગાવીને તેણે રાન્યા પર સવાલોના જવાબ ન આપવા અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન, તપાસ અધિકારી (IO)એ કોર્ટને જાણ કરી હતી કે DRI અધિકારીઓ દ્વારા રાન્યાને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી.
'અમે રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરી છે'
અધિકારીએ કહ્યું, 'પૂછપરછ દરમિયાન તે કોઈ પણ સવાલનો જવાબ આપી રહી નથી.. જ્યારે પણ અમે પૂછીએ છીએ ત્યારે તે મૌન રહે છે. અમે સમગ્ર તપાસ રેકોર્ડ કરી લીધી છે. IOએ વધુમાં આરોપ લગાવ્યો, 'જ્યારે તેમને પુરાવા બતાવવામાં આવ્યા હતા અને ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ત્યારે પણ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. કોર્ટમાં દાખલ થતાં જ તેના વકીલોએ તેને શું બોલવું તે અંગે સૂચના આપી હતી.
ડીઆરઆઈએ 4 માર્ચે કરી હતી ધરપકડ
રાન્યા રાવની 4 માર્ચ 2025ના રોજ બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે દુબઈથી 14.8 કિલો સોનાની દાણચોરી કરી રહી હતી. આ સોનાની કિંમત અંદાજે 12 કરોડ રૂપિયા છે.