રણવીરની માઠીઃ પાંચ -પાંચ ફિલ્મો અભેરાઈ પર ચઢી ગઈ
- ફિલ્મો મળે છે પરંતુ શૂટિંગ આગળ વધતું નથી
- રાક્ષસ પહેલાં બૈજુ બાવરા, અનિયાન, શક્તિમાન અને તખ્ત પણ અટકી છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: રણવીર સિંહની 'રાક્ષસ' ફિલ્મ અભેરાઈ પર ચઢાવી દેવાની જાહેરાત થઈ છે. રણવીરની નજીકના ભૂતકાળની આ પાંચમી એવી ફિલ્મ છે જે જાહેર થયા પછી અભેરાઈ પર ચઢી ગઈ હોય. રણવીરને ફિલ્મો મળે છે પરંતુ તેના પ્રોજેક્ટસ આગળ વધતા નથી. આથી રણવીર હાલ તેની કારકિર્દીમાં પડકારોનો સામનો કરી રહ્યો છે.
રણવીર અને દિગ્દર્શક પ્રશાંત વર્માએ ગઈકાલે જ સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ 'રાક્ષસ' ફિલ્મ પડતી મૂકી રહ્યા છે. સંજય લીલા ભણશાળી રણવીરની સાથે 'બૈજુ બાવરા' બનાવવાના હતા. પરંતુ, ભણશાળીએ હાલ આ ફિલ્મ બાજૂ પર મૂકી રણબીર, આલિયા તથા વીકી કૌશલ સાથેની 'લવ એન્ડ વોર' શરુ કરી દીધી છે.
સાઉથની હિટ ફિલ્મ 'અનિયાન'ની હિંદી રીમેક બનાવાની વાત હતી. જે એક સાયકોલોજિલકલ એકશન થ્રિલર ફિલ્મ હતી જેમાં રણવીર મુખ્ય રોલ કરવાનો હતો. પરંતુર્દિગ્દર્શક શંકર પોતાની બે તમિલ ફિલ્મ કમલ હાસન સાથેની 'ઇન્ડિયન ટૂ' અને રામચ ચરણ સાથેની 'ગેમ ચેન્જર'માં વ્યસ્ત થઇ જતાં 'અનિયાન' ફિલ્મ પણ લટકી પડી હતી.
બીજી તરફ 'શક્તિમાન' સીરિયલ પરથી બનનારી ફિલ્મમાં રણવીરને મુખ્ય રોલ મળવાની જાહેરાત થઈ છે.
પરંતુ મુકેશ ખન્નાએ રણવીરને આ ભૂમિકા મળે તેની સામે વાંધો ઉઠાવતાં ફિલ્મ વિવાદમાં ફસાઈ છે. એ જ રીતે કરણ જોહરે રણવીર સાથે 'તખ્ત' ફિલ્મ જાહેર કરી હતી પરંતુ રાજકીય વિવાદની ધારણાને લીધે એ પ્રોજેક્ટ જ પડતો મૂકી દીધો છે.
રણવીરની આગામી ફિલ્મ 'ડોન થ્રી' છે પરંતુ તેની સ્ક્રિપ્ટ હજુ ફાઈનલ થઈ રહી છે.