બૈજુ બાવરા પડતી મુકાતાં રણવીર સાઉથના સર્જકોને શરણે
- એક્શન ફિલ્મ માટે અનેક સર્જકોનો સંપર્ક કર્યો
- એનિમલથી રણબીર સફળતાની સીડી ચઢી જતાં રણવીરને પણ એક્શનના અભરખા
મુંબઈ : સંજય લીલા ભણશાળીએ 'બૈજુ બાવરા' ફિલ્મ પડતી મુકતાં રણવીર સિંહને ભારે આંચકો લાગ્યો છે. તેના હાથમાંથી એક મોટો પ્રોજેક્ટ સરકી ગયો છે. હવે તે કોઈ મોટી દમદાર એક્શન ફિલ્મ મેળવવા માટે સાઉથના ફિલ્મ સર્જકોનો સંપર્ક કરી રહ્યો છે.
ફિલ્મ વર્તુળોમાં ચર્ચા મુજબ રણવીરે સંદિપ રેડ્ડી વાંગા, એટલી, નેલસન, એ.આર.મુરગાદોસ સહિતના કેટલાય ફિલ્મ સર્જકોનો સંપર્ક કર્યો છે અને પોતાને કોઈ મોટી એક્શન ફિલ્મ આપવા માટે વાતચીત શરુ કરી છે.
તાજેતરમાં સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'ની જબ્બર સફળતા બાદ રણબીર કપૂર રણવીર કરતાં એક કદમ આગળ નીકળી ગયો છે. તેની ફી પણ રણવીર કરતાં અનેકગણી આગળ વધી ગઈ છે. શાહરુખ ખાન અને હૃતિક રોશને પણ એક્શન હિરો તરીકે ધૂમ મચાવી છે. આ સંજોગોમાં રણવીરને લાગ્યું છે કે પોતે આ રેસમાં ટકી રહેવું હશે તો કોઈ મોટી એક્શન ફિલ્મ કરવી પડશે.
'બૈજુ બાવરા' માટે રણવીરને અનેક અપેક્ષાઓ હતી. આ ફિલ્મ આ વર્ષમાં ફલોર પર જશે તે લગભગ નક્કી મનાતું હતું. જોકે, સંજય લીલા ભણશાળીને બજેટના વાંધા પડયા હતા. છેવટે તેમણે આ ફિલ્મ પડતી મુકીને રણબીર કપૂર, આલિયા ભટ્ટ તથા વિકી કૈૌશલ સાથે 'લવ એન્ડ વોર' ફિલ્મની જાહેરાત કરી છે. આમ, સંજય લીલા ભણશાળીનો નવો પ્રોજેક્ટ મેળવવાની રીતે પણ રણબીર રણવીર કરતાં આગળ નીકળી ગયો છે.