બ્રહ્માસ્ત્રઃ2 માં દેવના રોલમાં જોવા મળશે રણવીર સિંહ, બનશે શિવાના પિતા
નવી મુંબઇ,તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન – શિવ’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'બ્રહ્માસ્ત્ર'ની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ રહી હતી. ફિલ્મના VFX અને ફોટોગ્રાફીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મમાં શાહરૂખ ખાને કેમિયો કર્યો હતો. બ્રહ્માસ્ત્ર 2022ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક હતી જેણે વિશ્વભરમાં 431 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બ્રહ્માસ્ત્રે ભારતમાં રૂ. 269.4 કરોડનો બિઝનેસ કર્યો હતો.
આ દરમિયાન, ઘણી વખત એવી અફવાઓ ફેલાઈ હતી કે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પાર્ટ 2માં રણવીર સિંહ દેવની ભૂમિકા ભજવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવી અટકળો હતી કે રિતિક રોશન અથવા કન્નડ અભિનેતા યશ આ ભૂમિકા ભજવી શકે છે. જોકે સત્તાવાર રીતે કોઈના નામની પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક રિપોર્ટ અનુસાર, રણવીર સિંહે બ્રહ્માસ્ત્ર પાર્ટ 2માં દેવના રોલ માટે હા પાડી દીધી છે.
શું 'બ્રહ્માસ્ત્ર 2'માં રણવીર સિંહ રણબીરના પિતાની ભૂમિકા ભજવશે?
મળતી માહિતી પ્રમાણે "બ્રહ્માસ્ત્ર 2 માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે રણવીર સિંહની પસંદગી કરવામાં આવી છે , જેમાં રણબીર કપૂરના પિતા દેવના રોલમાં રણવીર સિંહ જોવા મળશે." આ રોલ માટે તેને માત્ર ફાઈનલ કરવામાં આવ્યો નથી પરંતુ તેણે સાઈન પણ કરી લીધી છે. બીજા ભાગની સ્ક્રિપ્ટીંગ હજુ ચાલુ છે અને ફિલ્મ 2025માં રોલિંગ શરૂ થવાની ધારણા છે. હાલમાં, અયાન મુખર્જી 'વોર 2'માં વ્યસ્ત છે.
રણવીર સિંહ 'બ્રહ્માસ્ત્ર 2'નું શૂટિંગ ક્યારે શરૂ કરશે?
અહેવાલ મુજબ, સૂત્રએ એમ પણ કહ્યું, “જો બધું બરાબર રહ્યું તો રણવીર 2024માં સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરા શરૂ કરશે. જ્યારે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે 'બ્રહ્માસ્ત્ર 2'નું શૂટિંગ 2025ની શરૂઆતમાં શરૂ થશે.
હવે મળતી માહિતી પ્રમાણે , ડોન 3 તે જ સમયે ફ્લોર પર જશે. આવી સ્થિતિમાં રણવીર પહેલા 'ડોન 3' અને પછી 'બ્રહ્માસ્ત્ર 2'નું શૂટિંગ કરશે.