રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટથી ઝટકો, FIR વિરુદ્ધ વહેલી સુનાવણીની અરજી ફગાવાઈ
Ranveer Allahbadia Controversy: સુપ્રીમ કોર્ટે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના વિવાદાસ્પદ નિવેદન સાથે સંબંધિત તમામ કેસોની એક સાથે સુનાવણીની અપીલને ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે, 'આ કેસની સુનાવણી પ્રક્રિયા મુજબ થશે.' રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ દેશના અલગ-અલગ શહેરોમાં કેસ નોંધવામાં આવ્યા છે. આ તમામ કેસની સુનાવણી એક જ સમયે થઈ શકે છે. આવી સ્થિતિમાં રણવીરે સુનાવણીમાં હાજરી આપવા માટે અલગ-અલગ કોર્ટમાં જવું પડશે. આ કારણોસર, તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે તમામ કેસની સુનાવણી એક જ જગ્યાએ કરવી જોઈએ.
આ કેસની સુનાવણી પ્રક્રિયા મુજબ જ કરવામાં આવશે
વહેલી સુનાવણીનો ઇનકાર કરતા, સુપ્રીમ કોર્ટે રણવીરના વકીલ અભિનવ ચંદ્રચુડને કહ્યું કે, 'કોર્ટ વહેલી સુનાવણીની માંગ પર મૌખિક રીતે વિચાર કરશે નહીં. આ કેસની સુનાવણી પ્રક્રિયા મુજબ જ કરવામાં આવશે.'
જસ્ટિસ સંજીવ ખન્નાએ અલ્હાબાદિયાના વકીલને પહેલા રજિસ્ટ્રીનો સંપર્ક કરવા કહ્યું. એડવોકેટ અભિનવ ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટમાં રણવીર અલ્હાબાદિયાની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરતા કહ્યું કે, 'ગુવાહાટી પોલીસે તપાસ શરૂ કરી છે. એફઆઈઆર પર સ્ટે મૂકવાના મામલે તાત્કાલિક સુનાવણી થવી જોઈએ.'
રાષ્ટ્રીય મહિલા આયોગનો રણવીરને તેમની સામે હાજર થવા આદેશ
કોમેડી શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર સખત નારાજગી વ્યક્ત કરતા, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ મંગળવારે રણવીર અલ્હાબાદિયા અને અન્યને 17 ફેબ્રુઆરીએ તેની સામે હાજર થવાનો આદેશ આપ્યો.
આ પણ વાંચો: કોન્સર્ટ માટે જતાં જાણીતા મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાણીને અકસ્માત નડ્યો, હોસ્પિટલમાં દાખલ
કમિશને રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, અપૂર્વ મખ્ખીજા, જસપ્રીત સિંહ અને આશિષ ચંચલાની જેવા કન્ટેન્ટ ક્રિએટર દ્વારા કરવામાં આવેલી અશ્લીલ અને વાંધાજનક ટિપ્પણીઓની ગંભીર નોંધ લીધી છે.
NCWએ શૉના નિર્માતા તુષાર પૂજારી અને સૌરભ બોથરાને પણ નોટિસ મોકલી છે. તેમજ આ વાંધાજનક ટિપ્પણીના કારણે રણવીર વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે.