રણબીરની રામાયણ બે ભાગમાં રજૂ થશે, પહેલો ભાગ 2026ની દિવાળીએ
- બીજો ભાગ 2027ની દિવાળીએ રજૂ કરાશે
- શૂટિંગ લાંબા સમયથી ચાલુ થઈ ગયું છે પરંતુ ફિલ્મની હવે સત્તાવાર ઘોષણા
મુંબઇ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મની હવે સત્તાવાર ઘોષણા કરાઈ છે. આ ફિલ્મ બે ભાગમાં રીલિઝ કરાશે. પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળીએ તથા બીજો ભાગ ૨૦૨૭ની દિવાળીએ રીલીઝ કરાશે તેમ જાહેર કરાયું છે.
રણબીર કપૂર છેલ્લા થોડા મહિનાઓથી ફિલ્મ રામાયણનું શૂટિંગ કરી રહ્યો છે. જેમાં તે ભગવાન રામનો રોલ નિભાવી રહ્યો છે. સીતાના રોલમાં સાંઇ પલ્લવી જોવા મળવાની છે. ફિલ્મના સેટ પરથી બન્નેના લુક લીક થઇ ચૂક્યા છે. ફિલ્મમાં યશ રાવણની ભૂમિકામાં છે જ્યારે અરુણ ગોવિલ દશરથનું પાત્ર ભજવી રહ્યો છે.
જોકે, ફિલ્મનાં કાસ્ટિંગ તથા શૂટિંગની અનેક વિગતો જાહેર થવા છતાં પણ હજુ સુધી નિર્માતાઓએ ફિલ્મ વિશે સત્તાવાર રીતે કશું કહ્યું ન હતું. આખરે આજે ફિલ્મનું પોસ્ટર રીલિઝ કરાયું હતું. જોકે, પોસ્ટરમાં પણ કલાકારોનો કોઈ ઉલ્લેખ નથી.
બોલીવૂડમાં છેલ્લા કેટલાય સમયથી રામાયણ આધારિત ફિલ્મોનું ચલણ વધ્યું છે. તાજેતરમાં રજૂ થયેલી 'સિંઘમ અગેઈન'માં પણ રામાયણ પરથી પ્રેરણા લેવાઈ છે. આ પહેલાં રામાયણ આધારિત 'આદિપુરુષ' રજૂ થઈ ચૂકી છે. અક્ષય કુમારની 'રામ સેતુ'માં પણ રામાયણના સંદર્ભ સાથેની વાર્તા હતી.