રણબીર- સાઈ પલ્લવીની રામાયણના બજેટ બાબતે નિર્માતાઓ વચ્ચે તકરાર
- ત્રણ ભાગના 500 કરોડના બજેટથી વિવાદ
- એક નિર્માતાએ ફિલ્મ છોડતાં કાસ્ટિંગ સહિતની પ્રિ પ્રોડક્શનની તૈયારીને અસર
મુંબઇ : રણબીર કપૂર, સાઈ પલ્લવી તથા યશ સહિતના કલાકારોની ફિલ્મ 'રામાયણ' ત્રણ ભાગમાં બનાવવાનું નક્કી થતાં તથા તેનું બજેટ ૫૦૦ કરોડ રુપિયાને આંબી જતાં નિર્માતાઓ વચ્ચે ડખો ઊભો થયો છે. એક નિર્માતાએ પોતે બહુ મોટું રોકાણ કરી શકે તેમ ન હોવાનું જણાવી પ્રોજેક્ટ અત્યારથી જ છોડી દીધા બાદ હાલ ફિલ્મનાં કાસ્ટિંગ તથા પ્રિ પ્રોડક્શનની તૈયારીઓ ધીમી પડી હોવાનું કહેવાય છે.
નિતેશ તિવારી લાંબા સમયથી આ ફિલ્મ બનાવી રહ્યા છે. અગાઉ મધુ મન્ટેના તેમની સાથે સહ નિર્માતા હતા. પરંતુ મધુએ આટલું મોટું બજેટ કમર્શિઅલી વાજબી નથી તેમ જણાવતાં ડખો સર્જાયો હતો. આખરે મધુએ પોતાનું રોકાણ પાછું છોડયું છે. હવે નિતેશ તિવારી અન્ય ફાઈનાન્સિઅરને શોધી રહ્યા છે. જાણવા મલ્યા મુજબ ફિલ્મનું વીએફએક્સ કરનારી એક કંપની સાથે નફામાં ભાગીદારીના કરાર થયા છે.
અગાઉ નિતેશ તિવારીએ એમ કહ્યું હતું કે આ ફિલ્મમાં 'બ્રહ્માસ્ત્ર' જેવાં હેવી વીએફએક્સનો ઉપયોગ નહીં થાય પરંતુ ફિલ્મના પાત્રોના ભાવનાત્મક પાસાં પર જ ફોક્સ કરાશે. જોકે, બાદમાં ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવાનું નક્કી થયું હતું. પહેલા ભાગમાં માત્ર સીતા હરણ સુધીની વાર્તા અને બીજા ભાગમાં માત્ર રામ સેતુ સુધીની જ વાર્તા હોય અને છેક ત્રીજા ભાગમાં લંકા યુદ્ધના પ્રસંગો દર્શાવાય તેવું પ્લાનિંગ થયું હતું. તેના લીધે વીએફએક્સ સહિત તમામ બાબતોનું બજેટ અનેકગણું વધી ગયું હતું.
રણબીર કપૂરની 'એનિમલ'ને તાજેતરમાં કલ્પનાતીત સફળતા મળી હતી. જોકે, બીજી તરફ પ્રભાસ જેવા 'બાહુબલી' સીરીઝથી દેશવિદેશમાં જાણીતા બનેલા હિરોની રામાયણ પર આધારિત 'આદિપુરુષ' ફલોપ થઈ હતી. આમ, બોલીવૂડમાં સફળતાની કોઈ ખાતરી ન હોવાથી બજેટની મર્યાદા જાળવવા નિર્માતાઓ વચ્ચે તકરાર થઈ હોવાનું કહેવાય છે.