રણબીર અને સાઈ પલ્લવીની 'રામાયણ'નું શૂટિંગ આવતાં વર્ષથી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
રણબીર અને સાઈ પલ્લવીની 'રામાયણ'નું શૂટિંગ આવતાં વર્ષથી 1 - image


- યશ 2024ના ઉતરાર્ધમાં શૂટિંગ ચાલુ કરશે 

- ફિલ્મ અભેરાઈ પર મૂકાઈ ગઈ હોવાની ચર્ચાઓ વચ્ચે શૂટિંગ શિડયૂલની વાત વહેતી થઈ 

મુંબઈ : રણબીર કપૂરની 'રામાયણ' અભેરાઈ પર મૂકાઈ ગઈ હોવાની ચર્ચાઓ થોડા સમય પહેલાં શરુ થઈ હતી. પરંતુ, હવે આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ નક્કી થઈ ગયું હોવાની વાત વહેતી થઈ છે. 

ફિલ્મ નિર્માતા મધુ મન્ટેનાએ ત્રણ ભાગમાં 'રામાયણ' બનાવવાનું આયોજન કર્યું છે. પરંતુ, પહેલો ભાગ જ કલાકારોની વારંવાર ફેરબદલ તથા બીજી બાબતોને કારણે બહુ જ વિલંબમાં મૂકાયો છે. 

હવે નવી માહિતી અનુસાર રણબીર તથા સાઈ પલ્લવી પોતાના હિસ્સાનું શૂટિંગ આવતાં વર્ષે ફેબુ્રઆરી અને માર્ચમાં કરી દેશે. ફિલ્મમાં 'રાવણ'ની ભૂમિકા ભજવી રહેલો યશ આવતાં વર્ષના જુલાઈ પછી પોતાનું શૂટિંગ શરુ કરશે. રણબીર તથા યશ બંને પોતપોતાની રીતે વ્યસ્ત કલાકારો હોવાથી તેમની તારીખો મેળવવામાં નિર્માતાઓને નાકે દમ આવ્યો છે. 

ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારીએ પ્રિ પ્રોડક્શનનું કામ બહુ સમય પહેલાંથી કરી દીધું છે.  સ્ક્રિપ્ટિંગ, કોશ્ય્યૂમ સહિતની બાબતો ફાઈનલાઈઝ થઈ રહી છે. એવું કહેવાય છે કે આ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' કે 'આદિપૂરુષ' જેમ હેવી વીએફએક્સ પર આધાર રાખવાને બદલે પાત્રોના મનોસંઘર્ષ તથા ભાવનાત્મક બાબતો પર વધારે કેન્દ્રિત હશે. 

ફિલ્મના પહેલા ભાગમાં રાવણ તરીકે યશની એન્ટ્રી સહિતના મર્યાદિત સીન જ હશે. લંકાના મોટાભાગના પ્રસંગો બીજા પાર્ટમાં હશે. આથી પહેલા ભાગ માટે યશ ૧૫ જ દિવસનું શૂટિંગ કરવાનો છે.


Google NewsGoogle News