રજનીકાન્ત સાથે કો સ્ટાર તરીકે રાણા દગ્ગુબાટી અને ફહાદ ફાસિલ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
રજનીકાન્ત સાથે કો સ્ટાર તરીકે રાણા દગ્ગુબાટી અને ફહાદ ફાસિલ 1 - image


- થલાઈવાર 170 અમિતાભની પહેલી તમિલ ફિલ્મ

- સૂરિયાની ફિલ્મ જય ભીમના ડાયરેક્ટર  ટી જે ગજવેલની ફિલ્મમાં સાઉથના ટોચના સ્ટાર્સનો કાફલો

મુંબઈ : રજનીકાન્તની આગામી ફિલ્મ 'થલાઈવાર૧૭૦'માં તેમના કો સ્ટાર તરીકે રાણા દગ્ગુબાટી અને ફહાદ ફાસિલનાં નામ જાહેર થતાં સાઉથના ફિલ્મી વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ જ ફિલ્મથી અમિતાભ બચ્ચન પહેલીવાર કોઈ તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરશે. અમિતાભ અને રજનીકાન્ત ૩૨ વર્ષ પછી સ્ક્રીન શેર કરવાના છે. 

આ ફિલ્મના ડાયરેક્ટર ટી. જે. ગજવેલ છે. તેમની  સૂરિયાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'જય ભીમ' ભારતભરમાં વખણાઈ છે. આથી તેઓ સાઉથના દિગ્ગજ કલાકારોનાં કદને સ્ક્રીનપ્લેમાં કેવી રીતે ન્યાય આપે છે તે અંગે ચર્ચાઓ જામી છે. 

હજુ  એક દિવસ પહેલાં જ આ ફિલ્મમાં રાણા દગ્ગુબાટીને સાઈન કરાયો હોવાની જાહેરાત થઈ હતી. તે પછી તરત જ સર્જકોએ આ ફિલ્મમાં ફહાદ ફાસિલની એન્ટ્રીની જાહેરાત કરી હતી. થોડા સમય પહેલાં 'જેલર'  ફિલ્મે મેળવેલી અંધાધૂંધ સફળતાને કારણે રજનીકાન્તનો સિતારો આસમાને છે. રાણા દગ્ગુબાટી 'બાહુબલી' સહિતની ફિલ્મોથી ભારતભરના દર્શકોમાં લોકપ્રિય છે. બીજી તરફ ફહાદ ફાસિલ 'પુષ્પા'ના વિલન તરીકે જાણીતો બન્યો છે. 

સંખ્યાબંધ ચાહકોએ સોશિયલ મીડિયા પર પ્રત્યાઘાત આપ્યો હતો કે  આ ફિલ્મ સાથે  આટલાં બધાં મોટાં નામો સંકળાયેલાં હોવાથી તેની પાસેથી અપેક્ષાઓ બહુ વધી ગઈ છે. 


Google NewsGoogle News