દેશની સૌથી મોટી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ
Ramoji Rao Died News | ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું શનિવારે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના દ્વારા સ્થાપિત હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી સાઉથ અને બોલિવૂડ ફિલ્મો માટે એક મોટું પ્લેટફોર્મ છે. આ ફિલ્મ સિટી કેટલાય એકરમાં ફેલાયેલી છે અને અહીં અત્યાર સુધીમાં હજારો ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.
5 જૂને હોસ્પિટલ ખસેડાયા હતા
રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સતત તબીયત બગડવાને લીધે તેમને 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
કોણ હતા રામોજી રાવ?
રામોજી રાવ સફળ ઉદ્યોગસાહસિક, ફિલ્મ નિર્માતા અને મીડિયા ટાયકૂન હતા. તેઓ તેલુગુ મીડિયામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. તેમનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા રામોજી રાવે હૈદરાબાદમાં રામોજી ગ્રુપની સ્થાપના કરી હતી.