Get The App

ભગવાન શ્રીકૃષ્ણ પર બની રહી છે વેબ સીરિઝ, ‘રામાયણ’ સાથે છે ખાસ કનેક્શન

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ભગવાન શ્રીકૃષ્ણ પર બની રહી છે વેબ સીરિઝ, ‘રામાયણ’ સાથે છે ખાસ કનેક્શન 1 - image


ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ આપેલા જીવન સંદેશનો ચારેકોર વ્યાપ આજના આ આધુનિક જમાનામાં થવો જરૂરી બન્યો છે. આજની તારીખમાં પણ કોઈને કહો કે રામાયણ એટલેકે દરેકને રામાનંદ સાગરની રામાયણ જ યાદ આવે. 3 દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતા આજદિન સુધી આ સીરિયલનો ચાર્મ યથાવત છે. કોરોના કપરા સમયગાળા દરમિયાન પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે આ સીરિયલની આજના આ ભાગતા-દોડતા જમાનામાં પણ સફળતા જોઈને, સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસે એક મોટો નિર્ણય લીધો છે. સાગર પિક્ચર્સ ભગવાન કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સીરિઝ બનાવવાનું વિચારી રહી છે.

મહત્વની વાત કે આ પહેલીવાર નથી કે સાગર પિક્ચર્સ પ્રોડક્શન હાઉસ ભગવાન કૃષ્ણ પર કોઈ પ્રોજેક્ટ લાવી રહ્યું હોય. ‘ક્રિષ્ના’ ટાઈટલ પર અગાઉ પણ એક ટીવી શો હતો અને તે ઘણો હિટ રહ્યો છે. હવે મેકર્સ ફરી એકવાર કૃષ્ણ ભગવાન પર નવા પ્રોજેક્ટ્સ સાથે માર્કેટમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ જાણકારી આપતા કહ્યું છે કે રામાયણના નિર્માતા સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ ભગવાન કૃષ્ણ પર ફિલ્મ અને વેબ સીરિઝ લાવવાની તૈયારી કરી રહ્યું છે. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ, 1971ના નિર્માતાઓ દ્વારા પણ આ કો-પ્રોડ્યુસ કરવામાં આવશે. આ સંભવિત વેબ સીરિઝ અને મૂવીમાં આ શ્રીમદ ભાગવત ગીતાનું જ સત્તાવાર ગ્રહણ હશે. આ એક મેગા પ્રોજેક્ટ હશે અને તેમાં સમગ્ર ભારતની સ્ટારકાસ્ટ હશે. આંતરરાષ્ટ્રીય VFX કંપની પણ આ પ્રોજેક્ટમાં સામેલ થશે. જોકે આ મોટા પ્રોજેક્ટ વિશે હજુ કોઈ ઓફિશિયલ માહિતી બહાર નથી પાડવામાં આવી.

રામાયણ ઘરે-ઘરે લોકપ્રિય બની :

રામાનંદ સાગરે ભારતને બે મોટી સીરિયલો આપી છે. તેનો પહેલો શો રામાયણ સુપર-ડુપર હિટ રહ્યો હતો. આ સિવાય કૃષ્ણ સીરિયલને પણ ખૂબ જ સારા વ્યુઝ મળ્યા હતા. આ સીરિયલોએ અરુણ ગોવિલ, દીપિકા ચખાલિયા, દારા સિંહ, સુનીલ લહેરી અને સર્વદમન ડી બેનર્જી જેવા સ્ટાર્સને દરેક ઘરમાં લોકપ્રિય બનાવ્યા હતા. આજના યુગમાં જ્યાં હિંદુ પૌરાણિક કથાઓ અને ગ્રંથોના વ્યાપ પર મોટાપાયે કામ થઈ રહ્યું છે, ત્યાં સાગર પિક્સચર્સની મેદાનમાં એન્ટ્રી ચાહકો માટે એક મોટા સમાચાર છે.

જનતાએ આપ્યા અનેક સલાહ સૂચનો :

જોકે સાગર પિક્ચરર્સ માટે સૌથી મોટો પડકાર આજના સમય અનુસાર પ્રોજેક્ટને આકાર આપવાનો અને સંતુલન જાળવવાનો રહેશે. અગાઉ ઓમ રાઉતે આદિપુરુષ બનાવી ત્યારે ટ્રેન્ડ મિક્સઅપનો અભાવ હતો અને ચાર્મ નહોતો જળવાયો. પરિણામે મોટા બજેટમાં બનેલી આ ફિલ્મની હાલત કફોડી રહી હતી. એક તો ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી અને ઉપરથી ફિલ્મને ઈતિહાસ સાથે ચેડા કરવા બદલ પણ ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો. 

હવે જ્યારે કૃષ્ણ વેબસીરિઝને લઈને કોઈ સમાચાર નથી આવ્યા ત્યારે લોકોએ મેકર્સને સલાહ-સૂચનાઓ આપવાનું શરૂ કરી દીધું છે. એક વ્યક્તિએ લખ્યું શ્રી કૃષ્ણના રોલ માટે માત્ર સૌરભ જૈનને રાખો. અન્ય એક વ્યક્તિએ કહ્યું આ પ્રકારના ચલચિત્રમાં સ્ટાર કાસ્ટ ખૂબ મહત્વ ધરાવે છે. પાત્રો સાથે ન્યાય કરવા માટે સારા કલાકારોને જ હાયર કરવા પડે.


Google NewsGoogle News